BREAKING NEWS

જામનગર: રવાણી ખીજડીયા ધાર નજીક મોટર સાયકલ અકસ્માતમાં વૃઘ્ધનું મૃત્યુ

  • May 16, 2026 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: રવાણી ખીજડીયા ધાર નજીક મોટર સાયકલ અકસ્માતમાં વૃઘ્ધનું મૃત્યુ

એક બાઇકચાલક સામે ફરીયાદ : પડાણા ગેઇટ સામે કારે બાઇકને હડફેટે લેતા બે યુવક ઘાયલ 

જામનગર તાબેના રવાણી ખીજડીયા ધારથી આગળ બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા ગામમાં રહેતા એક વૃઘ્ધનું ગંભીર ઇજા સબબ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ છે આ બનાવ અંગે એક બાઇક ચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે, જયારે પડાણા ગેઇટ સામે સ્વીફટ કારના ચાલકે બાઇકને હડફેટે લઇને બે યુવકને ઇજા પહોચાડી હતી જે મામલે કારચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.

જામનગર તાલુકાના રવાણી ખીજડીયા ગામમાં રહેતા ખેતીકામ કરતા હિતેશસિંહ ચંદુભા જાડેજા (ઉ.વ.૩૮) નામના યુવાને ગઇકાલે પંચ-એમાં મોટરસાયકલ નં. જીજે૧૦ઇજે-૧૨૮૫ના ચાલક પરેશ દેવા બાંભવા નામના ઇસમ વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.

ફરીયાદીના પિતા ચંદુભા જાડેજા (ઉ.વ.૬૫) રહે. રવાણી ખીજડીયાવાળા ગઇકાલે સાઇન મોટરસાયકલ નં. જીજે૧૦ઇજે-૧૪૭૭ લઇને કામ સબબ ધ્રોલ ગયા હતા અને ત્યાથી પરત ઘર તરફ આવી રહયા હતા, ત્યારે આશરે ૯-૩૦ વાગ્યાના સુમારે રવાણી ખીજડીયા ધારથી આગળ મેલડી માતાના મંદિર પહેલા આરોપી પોતાનુ બાઇક પુરઝડપે અને ગફલતથી ચલાવી ફરીયાદીના પિતા ચંદુભાની મોટરસાયકલ સાથે અથડાવી ઠોકર મારી હતી.

આ અકસ્માતમાં ચંદુભા નીચે પડી જતા કપાળ અને માથાના ભાગે તેમજ શરીરે ઇજાઓ થતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ છે. ફરીયાદના આધારે પંચ-એના હેડ કોન્સ. જાડેજા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. 

બીજા બનાવમાં લાલપુરમાં રહેતા મેહુલ ગીરધરભાઇ પારીયા (ઉ.વ.૨૭) નામના યુવાને મેઘપર પોલીસમાં સ્વીફટ કાર નં. જીજે૧૦ઇસી-૪૦૫૦ના ચાલક સામે ગઇકાલે ફરીયાદ કરી હતી.

વિગત મુજબ ગત તા. ૨૪ના ફરીયાદી મેહુલ તથા સાહેદ મોટરસાયકલ નં. જીજે૧૦એઆર-૪૭૩૧ લઇને કાનાલુસ તરફથી પડાણા પાટીયા જતા હતા ત્યારે પડાણા ગેઇટ સામે ઉપરોકત નંબરની સ્વીફટ કારના ચાલકે પાટીયા તરફથી આવતા હોય અને ઓચીંતા પેટ્રોલપંપ બાજુ વાળી લેતા ફરીયાદીના બાઇકને હડફેટે લઇ ફરીયાદી તેમજ સાહેદ અનિલભાઇ મોટરસાયકલ ચલાવતા હોય તે બંનેને શરીરે ઇજાઓ પહોચાડી હતી. આ ફરીયાદના આધારે મેઘપર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application