BREAKING NEWS

દ્વારકાધિશ જગત મંદિરની છેલ્લા પાંચ વર્ષની વાર્ષિક આવકમાં આઠ કરોડથી વધુ રકમનો વધારો

  • April 23, 2026 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાધિશ જગત મંદિરની છેલ્લા પાંચ વર્ષની વાર્ષિક આવકમાં આઠ કરોડથી વધુ રકમનો વધારો


નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માં ૧૩.૭૬ કરોડની રકમ ૨૦૨૫-૨૬ માં ૨૨.૦૪ કરોડે પહોંચી


દેશના સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા સ્થિત ભગવાન દ્વારકાધીશજી જગતમંદિરની વાર્ષિક આવકમાં છેલ્લા પાંચ વર્ષથી નોંધપાત્ર વધારો જોવા મળે છે.રોજ હજારો ભાવિકો દર્શનાર્થે ઉમટે છે તેવા કાળીયા ઠાકરની કર્મભૂમિના આંગણે દેશ-વિદેશથી ભાવિકો શિશ ઝુકાવવા માટે આવે છે.


છેલ્લા પાંચ વર્ષમાં ૨૦૨૧-૨૨થી વર્ષ ૨૦૨૫-૨૬ સુધી વાર્ષિક આવકમાં સ્થિર વૃદ્ધિ જોવા મળે છે.જે ભક્તોની વધતી શ્રધ્ધા અને ભક્તિભાવ દર્શાવી છે.છેલ્લા ત્રણ વર્ષથી આવકમાં ખાસ્સો વધારો જોવા મળે છે.


જગત મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ મંદિરની કુલ આવક વર્ષ ૨૦૨૧-૨૦૨૨ દરમિયાન રૂ. ૧૩,૭૬,૨૯,૪૧૪ નોંધાઈ હતી, જે વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં વધીને  રૂ. ૧૯,૭૯,૧૭,૩૧૬ થઈ હતી. ત્યારબાદ વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માં આવકમાં વધુ વધારો થઈ રૂ. ૨૩,૭૮,૨૪,૮૦૦ નોંધાઈ હતી. વર્ષ ૨૦૨૪-૨૦૨૫ દરમિયાન આવક આંશિક ઘટાડા સાથે રૂ. ૨૧,૯૨,૧૮,૦૩૮ રહી હતી.


જગતમંદિરની આવકમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કુલ લગભગ રૂ.૮,૨૮,૫૩,૮૭૬ જેટલો વધારો જોવા મળે છે. જેમાં વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન અત્યાર સુધીની વિક્રમી ૨૩.૭૮ કરોડથી વધુ આવક નોંધાઈ હતી.છેલ્લા પાંચ વર્ષના આંકડા જોઈએ તો દર વર્ષે સરેરાશ ૧.૬૫ કરોડના વધારા સાથે વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૩.૭૬ કરોડ જેટલી આવકનો આંક વર્ષ ૨૦૨૫-૨૬માં ૨૨.૦૪ કરોડને આંબી ગયો હોવાનુ સામે આવ્યુ છે.


જેમાં વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માં ફરી વધારો થઈ રૂ. ૨૨,૦૪,૮૩,૨૯૦ સુધી પહોંચી છે.આ આવકમાંથી ૨ ટકા રકમ ચેરિટી તરીકે ફાળવવામાં આવે છે,જ્યારે ૧૫ ટકા ટ્રસ્ટ ઈન્કમ તરીકે કપાઈ છે.જયારે પુજારીઓનો હિસ્સો ૮૩ ટકા જેટલો રહે છે.


આ વૃદ્ધિ પાછળના મુખ્ય કારણોમાં દ્વારકા ખાતે પ્રવાસનુ ક્ષેત્રનો વિકાસ મહત્વનો માનવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં યાત્રા ધામમાં આધુનિક સુવિધાઓનો વિકાસ, માર્ગ વ્યવસ્થામાં સુધારો અને યાત્રાળુઓ માટેની સુવિધાઓમાં વધારો થયો છે. 


ખાસ કરીને શિવરાજપુર બીચ અને સુદર્શન સેતુ જેવા પર્યટન સ્થળોના વિકાસને કારણે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો  થયો છે. દર વર્ષે યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે મંદિરની આવકમાં સીધો અસરકારક સાબિત થયો હોવાનુ મનાય છે.


વિશેષ વ્યવસ્થા મંદિર વહીવટીતંત્ર દ્વારા ભક્તોને આરામદાયક અને સુવ્યવસ્થિત દર્શન મળે તે માટે ખાસ આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને ઉનાળાના તીવ્ર તાપમાનમાં ભક્તોને ગરમીથી રાહત મળે તે માટે શેડની વ્યવસ્થા, ઠંડા પીવાના પાણીની સુવિધા અને યોગ્ય બેરીકેટિંગ કરવામાં આવે છે ઉપરાંત, તહેવારો અને ઉત્સવો દરમિયાન ભીડને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે જેથી ભક્તો સરળતાથી અને સુરક્ષિત રીતે દર્શન કરી શકે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application