BREAKING NEWS

‘છોટીકાશી’ જામનગરમાં શનિ જયંતિની ભક્તિમય ઉજવણી : શનિ મંદિરોમાં ભક્તોનો ભારે ધસારો

  • May 16, 2026 09:42 AM 

‘છોટીકાશી’ જામનગરમાં શનિ જયંતિની ભક્તિમય ઉજવણી : શનિ મંદિરોમાં ભક્તોનો ભારે ધસારો


‘છોટીકાશી’ તરીકે ઓળખાતા જામનગર શહેરમાં આજે વૈશાખી અમાસ અને શનિવારના પાવન સંયોગે શનિ જયંતિની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. કર્મનું ફળ પ્રદાન કરનાર અને ન્યાયના દેવતા માનાતા શનિદેવને પ્રસન્ન કરવા માટે શહેરના વિવિધ શનિ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.


ખાસ કરીને નાગેશ્વર વિસ્તારમાં આવેલ શનિધામ ખાતે સવારથી જ ભક્તો દર્શન અને પૂજન માટે પહોંચતા રહ્યા હતા. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રદ્ધાળુઓએ શનિદેવની શિલા પર તિલ તેલનો અભિષેક કરી, ફૂલ, કાળા તલ અને પ્રાર્થનાઓ અર્પણ કરી શનિદેવની કૃપા મેળવવા ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. મંદિર ખાતે દિવસભર ધાર્મિક કાર્યક્રમો અને ભજન-કીર્તનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.


તેમજ પવનચક્કી વિસ્તારમાં આવેલ શ્રી સૂર્યમુખી હનુમાનજી મંદિર સંલગ્ન શનિદેવના સ્થાનકે પણ ભક્તોની ભારે અવરજવર જોવા મળી હતી. અહીં ભક્તોએ વિશેષ પૂજન-અર્ચન કરી પોતાના જીવનમાં સુખ, શાંતિ અને શનિદોષમાંથી મુક્તિ માટે પ્રાર્થનાઓ કરી હતી.


શહેરના અન્ય નાના-મોટા શનિ મંદિરોમાં પણ શનિ જયંતિના અવસરે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. અનેક સ્થળોએ સાંજના સમયે મહાઆરતી, શનિ ચાલીસા પાઠ, ધાર્મિક પ્રવચનો અને મહાપ્રસાદ વિતરણના કાર્યક્રમો યોજાયા હતા. મંદિર ટ્રસ્ટો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભક્તોને પીવાના પાણી, પ્રસાદ અને વ્યવસ્થિત દર્શનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.


શનિ જયંતિ અને શનિવારનો દુર્લભ સંયોગ હોવાથી ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના કારણે સમગ્ર શહેરમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો. ભક્તોએ શ્રદ્ધા અને આસ્થાપૂર્વક શનિદેવના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application