જામનગરમાં શીપીંગ કંપનીના એક ભાગીદારે અન્ય ભાગીદારની જાણ બહાુર અલગ અલગ ખાતામાંથી માતબર રકમ ઉપાડી લઇને વિશ્ર્વાસઘાત કર્યાનું સામે આવ્યુ છે, આ અંગે શરૂ સેકશન રોડ પર રહેતા શીપીંગ ફર્મના ભાગીદાર સામે ૬ કરોડની રકમની ઉચાપત અને અંગત ફાયદામાં લઇ તેમજ આ મામલે ભાગીદારે ઉઘરાણી કરતા ધાક ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવવામાં આવી છે જેના પગલે ચકચાર મચી જવા પામી છે.
આ અંગેની મળતી વિગત મુજબ જામનગરના શરૂ સેકશન રોડ પર અંબાવિજય સોસાયટીમાં રહેતા વેપાર કરતા રાકેશ મણીલાલભાઇ બારાઇ અને તેનો ભાગીદાર વિજય મનોહરલાલ નારંગ આ બંને વરૂણ શીપીંગ ફર્મના ભાગીદાર હતા અને બંને ભેગો વેપાર કરતા હતા, ભાગીદારી ડીડ પ્રમાણે નાણાંકીય લેવડ દેવડ ટ્રાન્જેકશન રકમ ઉપાડવાની હોય ત્યારે કોઇપણ એકની સહીથી રકમ ઉપડતી હતી.
ફરીયાદી રાકેશભાઇને આ સિવાય પોતાનો હોટલનો ધંધો હોય જેથી સતત મુંબઇ, અમદાવાદ વિગેરે અલગ અલગ જગ્યાએ જવાનું થતુ અને મુસાફરી કરવી પડતી હતી, જેથી મોટાભાગનો સમય બહારગામ રહેતા હોય અને પોતે તેમના ભાગીદાર વિજય નારંગને વરૂણ શીપીંગનો રોજબરોજનો તમામ વહિવટ કરવા જણાવ્યુ હતું.
ફર્મની તમામ ચેકબુકો તથા ફર્મનું સાહિત્ય આ વિજય નારંગ પર ભરોષો રાખીને તેને સોપ્યુ હતું, જેથી વિજય તેમની કંપનીના કર્મચારી તેમજ તેમના પરિવારના સભ્યોના અલગ અલગ બેન્ક એકાઉન્ટના ખાતામાં તેમજ કંપનીના કર્મચારી ન હોવા છતા કલ્પેશ મનસુખલાલ જડીયા તેમજ પુજાબેન કલ્પેશભાઇ જડીયાના ખાતામાં અલગ અલગ રકમ નાખી કુલ ૬.૬૯.૧૪.૬૦૫ની રકમ ફરીયાદીની જાણ બહાર ઉપાડી લઇ વરૂણ શીપીંગ ફર્મ સાથે ઉચાપત તેમજ વિશ્ર્વાસઘાત કર્યો હતો.
આરોપીએ તેના અંગત ફાયદામાં ઉપયોગ કરેલ હોય અને ફરીયાદી દ્વારા નિકળતી રકમની ઉઘરાણી કરતા ધાક ધમકી આપી હતી, સને ૨૦૨૦ થી ૨૦૨૪ના સમયગાળા દરમ્યાન આ બનાવ અંધાશ્રમ પાસે તથા વરૂણ શીપીંગ કંપની ખાતે બન્યાનું પોલીસ ફરીયાદમાં જણાવાયુ છે.
ઉપરોકત વિગતોના આધારે કંપનીના ભાગીદાર વેપારી રાકેશભાઇ બારાઇ દ્વારા ગઇકાલે સીટી-સી ડીવીઝન જામનગરના શરૂ સેકશન રોડ પર રહેતા વિજય મનોહરલાલ નારંગની વિરુઘ્ધ બીએનએસની કલમ ૪૦૯, ૫૦૬(૨) મુજબ ફરીયાદ નોંધાવતા સીટી-સી પીઆઇ એન.બી. ડાભી અને સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. એક ભાગીદાર પર મુકલો ભરોસો અન્ય ભાગીદારની જાણ બહાર કરોડોની ઉચાપતનો મામલો પોલીસ મથકે પહોચતા ભારે ચકચાર મચી જવા પામી છે. ફરીયાદ આધારે પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.