દ્વારકા: લાઠીદડથી પદયાત્રા કરીને ૨૧ ગૌમાતાનું ધણ પહોંચ્યું કાળીયા ઠાકોરના શરણે
ગૌસેવા, ગૌરક્ષણ અને જીવદયાનો સંદેશ ગુંજ્યો: ૧૭ દિવસ પદયાત્રા કરી ર૧ ગૌમાતાએ કાળીયાઠાકોરની કરી પ્રદક્ષિણા
ગૌમાતા પ્રત્યે વધતી જતી અવગણના, અત્યાચાર અને નિરાધાર સ્થિતિ સામે સમાજ માં જાગૃતિ લાવવાના પવિત્ર હેતુ સાથે લાઠીદડ ગામેથી ૨૧ ગૌમાતાને લઈને શરૂ થયેલી ગૌમાતા વેદના પદયાત્રા તા. ૪ જુલાઈ, ૨૦૨૬ના રોજ પવિત્ર દ્વારકાધીશ જગતમંદિરે પહોંચીને પૂર્ણ થઈ હતી. યાત્રાના સમાપન પ્રસંગે ગૌમાતાના રક્ષણ, સંવર્ધન અને સન્માન માટે સમાજને સંકલ્પબદ્ધ બનવા આહ્વાન કરવામાં આવ્યું હતું.
તા. ૧૬ જૂન, ૨૦૨૬ના રોજ પ્રારંભ થયેલી આ પદયાત્રા દરમિયાન અનેક ગામો અને શહેરોમાંથી પસાર થઈ ગૌમાતા પ્રત્યે કરુણા, જીવદયા અને જવાબદારીનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. માર્ગમાં અનેક સ્થળોએ સ્થાનિક આગેવાનો, ગૌપ્રેમીઓ અને ગ્રામજનોએ યાત્રિકોનું સ્વાગત કરી ગૌરક્ષણના અભિયાનને સમર્થન આપ્યું હતું.
આ પદયાત્રાનું આયોજન નિરાધારનો આધાર યુવા મંડળના સંચાલક સંદીપ પટેલના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. આયોજકોના જણાવ્યા મુજબ ગૌમાતા માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, કૃષિ પરંપરા અને માનવ જીવન સાથે ગાઢ રીતે જોડાયેલી છે. તેથી ગૌમાતા પ્રત્યે સંવેદનશીલતા કેળવવી અને તેમના રક્ષણ માટે સમાજના દરેક વર્ગે આગળ આવવું સમયની માંગ છે.
યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ જનજાગૃતિ કાર્યક્રમો યોજી ગૌમાતા પર થતા અત્યાચાર રોકવા, નિરાધાર ગૌવંશને આશરો આપવા અને ગૌશાળાઓને વધુ સશક્ત બનાવવા અંગે પણ લોકોને અપીલ કરવામાં આવી હતી. ખાસ કરીને યુવા પેઢીને ગૌસેવા સાથે જોડાઈ સમાજમાં માનવતા અને જીવદયાના મૂલ્યોને મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
ખાસ કરીને લોકોને અપીલ કરી છે કે રોડ પર રખડતી ભટકતી ગૌમાતા કચરો,પ્લાસ્ટિક ખાય છે તેને અટકાવવા તેમજ હાઈવે ઉપર જે અકસ્માત થાય છે ને ગૌમાતા રિબાઈને મૃત્યુ પામે છે એવા બનાવો અટકે તે માટે લોકોને જાગૃત કરવા આ પદયાત્રા કરી છે.તેમજ ગૌમાતાને રાષ્ટ્રીય માતા તરીકે દરજ્જો મળે તેવી પ્રાર્થના પણ દ્વારકાધીશ ને કરી છે.
૨૧ ગૌમાતાને લઈને શરૂ થયેલી આ પદયાત્રા દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના સાથે પૂર્ણ થઈ હતી. યાત્રાના અંતે ગૌમાતાના કલ્યાણ, સમાજમાં સુખ-શાંતિ અને સર્વજીવ પ્રત્યે કરુણાની ભાવના સતત પ્રબળ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે ગૌરક્ષણ માત્ર એક અભિયાન નહીં, પરંતુ સમગ્ર સમાજની નૈતિક અને સાંસ્કૃતિક જવાબદારી છે, જેને દરેક વ્યક્તિએ પોતાનો ધર્મ સમજીને નિભાવવી જોઈએ.