BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: ભાટીયા ગામે દુકાનેથી ચેઈનની ઉઠાંતરી કરનાર પકડાયો

  • June 27, 2026 01:22 PM 

દેવભૂમિ દ્વારકા: ભાટીયા ગામે દુકાનેથી ચેઈનની ઉઠાંતરી કરનાર પકડાયો

ગણતરીની કલાકોમાં દ્વારકા એલસીબીએ ભેદ ઉકેલ્યો : હાબરડી ગામના પાટીયા પાસેથી મુદ્દામાલ સાથે મળી આવ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા ટાઉનમાં ત્રણ દિવસ પહેલા એક સોનીની દુકાનમાં માસ્ક પહેરીને આવેલા અજાણ્યા શખ્સે દુકાનદારને વાતોમાં ભોળવી, વિશ્વાસઘાત કરી રૂ. ૪,૩૧,૦૦૦ ની કિંમતના સોનાના ૨ ચેઈન ચોરી કરી નાસી છૂટ્યો હતો. 

આ અંગે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬(૨) હેઠળ ગુન્હો નોંધાયા બાદ દેવભૂમિ દ્વારકા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે ગણતરીની કલાકોમાં આ ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે. 

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમે ખંભાળીયા-દ્વારકા હાઈવે પર હાબરડી ગામના પાટીયા નજીકથી આરોપી કાના ઉર્ફે કાનો પુંજાભાઇ ચાવડા (ઉ.વ.૨૩, રહે. મોટા આસોટા) ને ઝડપી પાડ્યો છે.આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે તે સોનીની દુકાને જઈ પોતાની ખોટી ઓળખ આપતો અને મોઢા પર ઈજા થઈ હોવાનું બહાનુ કાઢી માસ્ક પહેરી રાખતો હતો. ત્યારબાદ સોનીને વાતોમાં રાખી, બિલ બનાવવાનું કહી કાઉન્ટરથી દૂર કરી મોકાનો લાભ લઈ દાગીના ચોરીને ભાગી જતો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ. ૧,૭૦,૦૦૦ ની કિંમતનો સોનાનો ૧ ચેઈન, રૂ. ૧,૦૦,૦૦૦ રોકડા, રૂ. ૧૦,૦૦૦ નો મોબાઈલ ફોન અને રૂ. ૧૦,૦૦૦ ની નંબર પ્લેટ વગરની મોટરસાયકલ મળી કુલ રૂ. ૨,૯૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને કલ્યાણપુર પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો છે. 

આ કામગીરી એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ.જોષી, પીએસઆઈ બી.એમ.દેવમુરારી, પીએસઆઈ એમ.આર.સવસેટા, પીએસઆઈ એસ.વી.કાંબલીયા તથા સમગ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News