ખંભાળિયા: ભાણવડના ગુંદા ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર પકડાઇ
૪.૯૨ લાખનો મુદામાલ કબ્જે : ચાલક રફુચકકર
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બુટલેગરો પર કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોષીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની અલગ-અલગ ટીમો કાર્યરત હતી. તે દરમિયાન એ.એસ.આઈ. મસરીભાઇ ભારવાડીયા, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા તથા કોન્સ્ટેબલ મનહરસિંહ જાડેજાને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી કે, એક સફેદ રંગની મારૂતિ સુઝુકી બ્રેજા કાર (રજીસ્ટ્રેશન નંબર: જીજે૧૦સીજી-૩૧૮૬) માં વિદેશી દારૂનો જથ્થો ભરીને ગુંદા ગામથી જામપર ગામ તરફ જવાની છે.
આ બાતમીના આધારે પોલીસ ટીમે વોચ ગોઠવીને રેઇડ કરી હતી અને તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ ૧૨૮ બોટલો (કિંમત રૂપિયા ૯૨,૩૨૪/-) શોધી કાઢી હતી. પોલીસે રૂપિયા ૪,૦૦,૦૦૦ની કિંમતની બ્રેજા કાર સહિત કુલ રૂપિયા ૪,૯૨,૩૨૪ નો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે આ કેસ ભાણવડ પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો છે. આ રેઇડ દરમિયાન કારનો ચાલક નાસી છૂટ્યો હોય, તેને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ સફળ કામગીરીમાં એલ.સી.બી.ના પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એમ.આર. સવસેટા, એસ.વી. કાંબલીયા સહિત એલ.સી.બી.ના અન્ય કર્મચારીઓ જોડાયા હતા.