BREAKING NEWS

દ્વારકામાં બાઇક રેલી દરમિયાન બઘડાટી બોલાવી, નુકસાની કરવા સબબ સાત શખ્સો સામે ફરિયાદ

  • May 08, 2026 02:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં બાઇક રેલી દરમિયાન બઘડાટી બોલાવી, નુકસાની કરવા સબબ સાત શખ્સો સામે ફરિયાદ

અડચણ ઉભી કરીને બારી-દરવાજામાં અંદાજે રર હજારનું નુકશાન કર્યું


દ્વારકામાં યોજાયેલી બાઈક રેલીમાં કાયદાનું ઉલંઘન કરતા શખ્સોને ટપારતા આરોપીઓ દ્વારા પોલીસ ચોકીમાં બઘડાટી બોલાવી નુકસાની કરવા તેમજ પોલીસકર્મીઓને મારી નાખવાની ધમકી આપવા સબબ સાત શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ગીરૂભા રઘુભા જાડેજાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે ગઈકાલે ગુરુવારે  સાંજના સમયે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલીમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમની ફરજ પર હતા. ત્યારે આ રેલી રૂપેણ બંદર વિસ્તારમાં પહોંચતા રેલીમાં આવેલા શખ્સોએ હાઈવે બ્લોક કરીને જાહેર વાહન વ્યવહારને અડચણ ઊભી થાય તેવું કૃત્ય કર્યું હતું.

આથી ફરજ પર રહેલા પોલીસ કર્મીઓએ આરોપીઓને તેમના વાહન રસ્તાની એક બાજુ ઊભા રાખવા કહ્યું હતું. આનાથી ઉશ્કેરાઈ ગયેલા આરોપી અશ્વિન વાઘા, કાના વાઘા, દેવુ ભીખા કેર, અજય ઉર્ફે જીથરો મકવાણા, રવિ માણેક, અર્જુન સતૈયાભા માણેક અને કનૈયાભા ધનાભા માણેક ઉપરાંત અન્ય શખ્સોએ એકસંપ કરી, અને ફરજ પર રહેલા પોલીસકર્મીઓને અપશબ્દો કહયા હતા. પથ્થરના ઘા કરી પોલીસકર્મીને ઇજા પહોચાડી ધમકી દીધી હતી તેમજ રૂપેણ બંદર પોલીસ ચોકીના બારી - દરવાજામાં તોડફોડ મચાવી  અંદાજે ૨૨,૦૦૦ જેટલું નુકસાન થયાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ અંગે દ્વારકા પોલીસે તમામ સાત આરોપીઓ તથા અજાણ્યા શખ્સો સામે રાયોટીંગ અને ફરજમાં રૂકાવટ અંગે ભારતીય ન્યાય સંહિતા તેમજ જી.પી. એક્ટની જુદી જુદી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ અંગે દ્વારકાના ડી.વાય.એસ.પી સાગર રાઠોડના વડપણ હેઠળ પી.આઈ. ટી.સી. પટેલ તેમજ તેમની ટીમ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application