ખંભાળિયા: ભાણવડમાં સગીરાના અપહરણના ગુનામાં મધ્યપ્રદેશના આરોપીની ધરપકડ
ભોગ બનનારને મુક્ત કરાવાઈ: અનારા ગામ સુધી પોલીસે તપાસ લંબાવી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા સગીર બાળાના અપહરણના ગંભીર ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. ભાણવડ પોલીસની ખાસ ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ઓપરેશન પાર પાડીને અપહરણના ગુનાના આરોપીને ઝડપી લીધો છે અને ભોગ બનનાર સગીરાને તેના કબજામાંથી સલામત રીતે મુક્ત કરાવી છે.
આ કેસની વિગત એવી છે કે, ભાણવડ પોલીસ સ્ટેશનમાં ગત તારીખ ૦૨/૦૪/૨૦૨૬ ના રોજ ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ ની કલમ ૧૩૭(૨), ૮૭ તથા પોક્સો એક્ટની કલમ ૧૨ મુજબ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા તથા રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા જિલ્લામાં બનતા ગંભીર પ્રકારના ગુનાઓની સચોટ તપાસ કરી આરોપીઓને વહેલી તકે પકડી પાડવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને ખંભાળીયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલના માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. કરપડાએ આ કેસની તપાસ જાતે સંભાળી હતી.
આ ગુનાના આરોપી અને ભોગ બનનાર સગીરાને શોધી કાઢવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.કે. કડછા, એ.એસ.આઇ. દુદાભાઇ જગમલભાઇ લુવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ જીતુભાઇ સામરભાઇ જામની એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમ દ્વારા મધ્યપ્રદેશ તેમજ ગુજરાતના ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના અનારા ગામ પાસે, ઇન્દોર-અમદાવાદ હાઇવે રોડ ખાતે હ્યુમન સોર્સના આધારે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ ટીમને મળેલી ચોક્કસ હકિકતના આધારે મૂળ મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના આંબાગામ (સાલરપાડા ફળીયા) ના વતની એવા આરોપી કાજુભાઇ સકરીયાભાઇ ભંભેરીયાને દબોચી લેવામાં આવ્યો હતો. તેની સાથે જ આરોપીના કબજામાંથી ભોગ બનનાર સગીર બાળાને પણ હેમખેમ છોડાવી લેવામાં આવી હતી.