જામનગર વોર્ડ નં. ૩માં આપના યુવા ઉમેદવારનું હાર્ટએટેકથી નિધન
મતદાનના દિવસે જ નરેન્દ્રસિંહ જાડેજાને હૃદયરોગનો જીવલેણ હુમલો આવ્યો : પરિવાર, રાજકીય વર્તુળો સહિતમાં ઘેરા શોકની લાગણી
જામનગર મહાનગરપાલીકાની ૧૬ વોર્ડની ૬૩ બેઠક માટે ગઇકાલે રવિવારે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને શાંતીપુર્ણ રીતે આ પ્રક્રિયા સંપન્ન થઇ હતી જો કે મતદાનના દિવસ દરમ્યાન એક દુ:ખદ ઘટના સામે આવી હતી જેમાં શહેરના વોર્ડ નં. ૩માં ચુંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીના યુવા ઉમેદવારનું હૃદયરોગના હુમલાથી નિધન થતા ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
જામનગર મહાનગરપાલીકાની વોર્ડ નં. ૩ની ચુંટણીમાં આમ આદમી પાર્ટીના યુવાન ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૮) ગઇકાલે મતદાનના દિવસે અલગ અલગ બે બુથ વચ્ચે મતદાનની પ્રક્રિયાની દેખરેખ માટે દોડધામ કરી રહયા હતા, અચાનક તેઓને છાતીમાં દુ:ખાવો ઉપડતા બેશુઘ્ધ જેવી હાલતમાં તાત્કાલીક હોસ્પીટલ સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા, જયાં તેમનું મૃત્યુ નિપજયાનું જાહેર થતા અને આ અંગેની વિગતો બહાર આવતા આપના આગેવાનો, કાર્યકરો સહિતના દોડી ગયા હતા. આપના યુવા ઉમેદવારનું દુ:ખદ અવસાન થયાના સમાચાર બહાર આવતા રાજકીય વર્તુળો, પરિવારજનો સહિતમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.