BREAKING NEWS

રાજકોટમાં 10માં માળેથી યુવકે ઝંપલાવતા મોત, ભાગીદારીમાં વિશ્વાસઘાત થતા અંતિમ પગલું ભર્યું

  • June 18, 2026 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના રૈયા રોડ પર આવેલા ફ્લેટના 10માં માળેથી કૂદી વેરાવળના યુવકે આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે, યુવકે વેરાવળમાં સોના ચાંદીનો ધંધો ભાગીદારીમાં કર્યો હતો જેમાં ભાગીદારોએ વિશ્વાસઘાત કરી કાવતરું ઘડી અપહરણ કર્યું હતું. જે અંગે યુવકે વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સતત ટેન્શનમાં રહેતા યુવકે ગઈકાલે રાજકોટમાં રહેતા ફુવાના ફ્લેટના 10માં માળેથી ઝંપલાવી જિંદગી નો અંત લીધો હતો.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ વેરાવળમાં રહેતા મિત અંકિતભાઈ માંડલિયા (ઉ.વ.21)ના યુવકે રાજકોટ રૈયારોડ પર કૈલાશધારા પાર્ક નજીક આવેલા શ્રુષ્ટિ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા ફુવા મંદિપભાઈ ચરાડવાના ફ્લેટના 10માં માળેથી છલાંગ લગાવી લેતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવના પગલે પરિવારજનો અને આસપાસના લોકો દોડી ગયા હતા અને તાકીદે 108 અને પોલીસને જાણ કરતા યુનિવર્સીટી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમા ખસેડી જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.


આપઘાત કરનાર મિત માંડલિયાએ વેરાવળમાં ધાર્મિક હરેશભાઇ જોષી સાથે સોના-ચાંદીનો ધંધો ભાગીદારીમાં શરૂ કર્યો હતો. થોડો સમય સુધી ધંધો બરાબર ચાલ્યા બાદ ધાર્મિક તેનો ભાઈ ગૌરાંગ અને બનેવી સંજય વ્યાસે રોકાણ કર્યું હોય તેનું વ્યાજ અને નફો વસૂલવા માટે માથાકુટ કરી મિતનું અપહરણ કર્યું હતું. જે અંગેની ત્રણેય સામે વેરાવળ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવાઇ હતી. આ બધા ટેન્સનના કારણે મિત ઘર છોડી ચાલ્યો હતો. પરિવારે રાજકોટ રહેતા મિતના ફુવાના ઘરે તપાસ કરવા માટે આવતા ફ્લેટ અંદરથી બંધ હતો આથી લોક તોડાવી દરવાજો ખોલતા જ મિત પરિવારના સભ્યોને જોઈ બાલ્કની તરફ ભાગ્યો હતો તેને બચાવવા માટે જતા ટી શર્ટ હાથમાં આવી ગયું હતું પરંતુ તે ફાટી જતા મિત નીચે પટકાયો હતો.

બનાવના પગલે યુનિવર્સીટી પોલીસે જરૂરી કાગળો કરી વેરાવળ પોલીસને મોકલી આપતા આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application