BREAKING NEWS

ફિફા વર્લ્ડ કપમાં ગોલ્ડન બૂટની રેસમાં યુવા ખેલાડીઓનું પલડું ભારે, મેસી-રોનાલ્ડો માટે ઉંમર બનશે બાધા !

  • June 04, 2026 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફૂટબોલના મહાકુંભ ફીફા વિશ્વ કપ ૨૦૨૬ના પ્રારંભ આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર વિશ્વના ફૂટબોલ ચાહકોની નજર આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ પર ટકેલી છે. ફીફા વિશ્વ કપમાં 'ગોલ્ડન બૂટ' એક એવો સર્વોચ્ચ એવોર્ડ છે, જેને મેળવવાનું સપનું વિશ્વના દરેક ફૂટબોલ ખેલાડીનું હોય છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ તે ખેલાડીને આપવામાં આવે છે જે આખી ટૂર્નામેન્ટ દરમિયાન સૌથી વધુ ગોલ કરે છે. ૧૧ જૂનથી શરૂ થઈ રહેલા આ ફૂટબોલ વિશ્વ કપમાં તમામની નજર પોર્ટુગલના ૪૧ વર્ષીય દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિનાના ૩૮ વર્ષીય લિઓનલ મેસી પર રહેશે. જો કે, રસપ્રદ વાત એ છે કે આ બંને મહાન ખેલાડીઓ પોતાના કરિયરમાં ક્યારેય ગોલ્ડન બૂટ જીતી શક્યા નથી, અને આ વખતે પણ વધતી ઉંમરના કારણે તેમને યુવા સ્ટાર્સ તરફથી કડી ટક્કર મળવાની પૂરી સંભાવના છે.


વિશ્વ કપના ઇતિહાસ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે ગોલ્ડન બૂટ જીતવામાં હંમેશા યુવા ખેલાડીઓ જ આગળ રહ્યા છે. અત્યાર સુધી રમાયેલી ટૂર્નામેન્ટોના આંકડા દર્શાવે છે કે એવોર્ડ જીતનારા ખેલાડીઓની સરેરાશ ઉંમર આશરે ૨૪.૭ વર્ષ રહી છે. અત્યાર સુધી રમાયેલા ૨૮ ફૂટબોલ ટૂર્નામેન્ટમાંથી ૨૦ વખત એવું બન્યું છે કે ૨૫ વર્ષ કે તેથી ઓછી ઉંમરના ખેલાડીઓએ જ આ એવોર્ડ પોતાના નામે કર્યો છે. ટૂર્નામેન્ટના ઇતિહાસમાં માત્ર ૧૯૯૮માં જ ક્રોએશિયાના ડેવોર સુકેરે ૩૦ વર્ષની ઉંમરે આ એવોર્ડ જીત્યો હતો, જે એક અપવાદ સમાન છે. આ સિવાય બ્રાઝિલના રોનાલ્ડો નાઝારિયોએ ૨૫ વર્ષની ઉંમરે (૨૦૦૨), જર્મનીના મિરોસ્લેવ ક્લોસે ૨૮ વર્ષની ઉંમરે (૨૦૦૬) અને થોમસ મુલરે માત્ર ૨૦ વર્ષની નાની ઉંમરે (૨૦૧૦) આ સિદ્ધિ મેળવી હતી. આ ઉપરાંત ફ્રાન્સના કિલિયન એમ્બાપેએ ૨૩ વર્ષની ઉંમરે (૨૦૨૨) અને ઇંગ્લેન્ડના હેરી કેને ૨૪ વર્ષની ઉંમરે (૨૦૧૮) ગોલ્ડન બૂટ જીત્યો હતો.


આગામી વિશ્વ કપ ૨૦૨૬માં ગોલ્ડન બૂટ જીતવા માટે મુખ્યત્વે ત્રણ યુવા ખેલાડીઓને સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. જેમા પહેલા સ્પેનના આ ૧૮ વર્ષીય યુવા ખેલાડી લામિને યામલને વર્તમાન સમયના સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓમાંથી એક માનવામાં આવે છે અને તેમની પાસે આ નાની ઉંમરે સર્વોચ્ચ એવોર્ડ જીતવાની સુવર્ણ તક છે. બીજા નોર્વેના આ ૨૫ વર્ષીય સ્ટાર ખેલાડી અર્લિંગ હાલેન્ડ હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. તેઓ પોતાની આક્રમક રમતથી ટીમને આગળ લઈ જવા અને ગોલ્ડન બૂટ જીતવા માટે સંપૂર્ણ સક્ષમ છે. ત્રીજા ગયા વિશ્વ કપની ઉપવિજેતા ટીમ ફ્રાન્સના સ્ટાર ખેલાડી એમ્બાપે હાલ ૨૭ વર્ષના છે અને અદ્ભુત ફોર્મમાં છે. તેમની નજર બીજી વખત ગોલ્ડન બૂટ મેળવીને ઇતિહાસ રચવા પર રહેશે.


ફીફા ટૂર્નામેન્ટમાં સત્તાવાર રીતે 'ગોલ્ડન બૂટ' એવોર્ડ આપવાની શરૂઆત ૧૯૮૨ના વિશ્વ કપથી થઈ હતી. તે પહેલાના સમયમાં ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીને માત્ર 'ટોપ સ્કોરર' તરીકે જાહેર કરવામાં આવતો હતો. જો કે, ફીફાએ પાછળથી ૧૯૮૨ પહેલાના તમામ ટોપ સ્કોરર ખેલાડીઓનો પણ ગોલ્ડન બૂટ વિજેતાઓની સત્તાવાર યાદીમાં સમાવેશ કર્યો છે. દેશોની વાત કરીએ તો, ફૂટબોલ ઇતિહાસમાં સૌથી વધુ પાંચ વખત બ્રાઝિલના ખેલાડીઓએ અને ત્રણ વખત જર્મનીના ખેલાડીઓએ આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યો છે. ૧૯૬૨ના વિશ્વ કપમાં એક અનોખો રેકોર્ડ બન્યો હતો જ્યાં છ ખેલાડીઓ ચાર-ચાર ગોલ સાથે સંયુક્ત રીતે ટોપ સ્કોરર રહ્યા હતા. આ વર્ષે પણ મેસી-રોનાલ્ડો જેવા દિગ્ગજો પોતાના અનુભવના આધારે આ રેકોર્ડ બ્રેક કરવા પ્રયાસ કરશે, જ્યારે યુવા બ્રિગેડ નવો ઇતિહાસ રચવા થનગની રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application