BREAKING NEWS

જામનગરમાં તા.૧૧ થી ૨૦ જુન દરમિયાન યોજાનાર ધો.૧૦-૧૨ ની પૂરક પરીક્ષાઓ અન્વયે જાહેરનામું

  • June 04, 2026 05:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં તા.૧૧ થી ૨૦ જુન દરમિયાન યોજાનાર ધો.૧૦-૧૨ ની પૂરક પરીક્ષાઓ અન્વયે જાહેરનામું

પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ ન કાઢવા તથા પરીક્ષા કેન્દ્રો પર મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, ઇલેક્ટ્રિક ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ

જામનગર તા.૪ જુન, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત ધો.૧૦ અને ધો.૧૨ની જુન-૨૦૨૬ પૂરક પરીક્ષાઓ આગામી તા.૧૧જુન થી તા.૨૦ જુન દરમિયાન યોજવામાં આવશે. પરીક્ષાઓ દરમિયાન ચોરીના દુષણના કારણે તેજસ્વી વિધાર્થીઓને નિયમાનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. 

જામનગર જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની આસપાસ કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને પરીક્ષા સુચારુ રીતે પૂર્ણ થાય તે હેતુસર પરીક્ષા કેન્દ્રોની આસપાસના ઝેરોક્ષ સેન્ટર્સ અને કોપીયર મશીન પરીક્ષાના સમય દરમિયાન બંધ રહે, તેમજ પરીક્ષા કેન્દ્રો પર કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક સાધનો, કેલ્ક્યુલેટર, ઈલેક્ટ્રોનિક વોચ અને અન્ય અનધિકૃત સાહિત્ય વગેરે સાથે ના લઈ જાય તે માટે પ્રતિબંધાત્મક હુકમો ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ.એમ.કાથડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. 

જામનગર જિલ્લામાં પરીક્ષા માટે નિર્ધારિત કરવામાં આવેલા પરિશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં આવતા કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ અને અંગત ઉપયોગ માટે વપરાશ કરતા કોપીયર મશીન ધારકોએ આગામી તા.૧૧ જુન થી તા.૧૩ જુન અને તા.૧૫ જુન થી તા.૧૯જુનના રોજ સવારના ૧૦:૦૦ કલાકથી બપોરના ૧:૧૫ કલાક સુધી તથા બપોરના ૩:૦૦ કલાકથી સાંજે ૬:૩૦ સુધી તેઓના કોપીયર મશીન દ્વારા પરીક્ષા વિષયક પત્રો અને દસ્તાવેજી કાગળોની નકલો કાઢવી નહીં. 

આ ઉપરાંત, પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક સાધનો, કેલ્ક્યુલેટર, ઈલેક્ટ્રોનિક વોચ તેમજ અન્ય અનધિકૃત સાહિત્ય સાથે પ્રવેશ કરી શકશે નહીં. તથા પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રતિબંધાત્મક હુકમમાં જણાવવામાં આવ્યું છે. આ જાહેરનામાંનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા,૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાપાત્ર થશે. 

જામનગર જિલ્લામાં પરીક્ષા માટે જાહેર કરાયેલા પરીક્ષા કેન્દ્રોની યાદી

શ્રી દયાનંદ કન્યા વિદ્યાલય, શ્રીમતિ જી.એસ. મેહતા કન્યા વિદ્યાલય, શારદા મંદિર સ્કુલ, ભવન્સ શ્રી એ.કે.દોશી વિદ્યાલય, શ્રી બ્રિલિયન્ટ હાઇસ્કુલ, શ્રી એલ.જી.હરિયા હાઇસ્કુલ, ઓશાવાળ ઇંગલીશ એકડમી, પ્રાઇમ માધ્યમિક શાળા ખાતે સવારે ૧૦:૦૦ કલાક થી બપોરે ૧:૧૫ સુધી પરીક્ષાઓ યોજવામાં આવશે. 

આર. આર. શાહ હાઈસ્કુલ, એ.બી. વિરાણી કન્યા વિદ્યાલય, શ્રી પ્રણામી હાઇસ્કુલ ખાતે સવારે ૧૦:૩૦ કલાક થી બપોરે ૧:૪૫ સુધી પરીક્ષાઓ યોજવામાં આવશે. 

ડી.એસ. ગોજીયા વિદ્યાલય, જે. કે. સોની કન્યા વિદ્યાલય, નેશનલ હાઇસ્કુલ, સેન્ટ ઝેવિયર્સ સ્કુલ ખાતે બપોરે ૩:૦૦ કલાકથી સાંજે ૬:૩૦ સુધી પરીક્ષાઓ યોજવામાં આવશે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application