જુનાગઢના શખસે ધોરાજીના યુવાનનું વાહન બારોબાર વેચી નાખી છેતરપિંડી

  • March 04, 2025 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં રહેતા શખસે ધોરાજીના યુવાન સાથે રૂપિયા દોઢ લાખમાં વાહનનો સોદો નક્કી કર્યો હતો. બાદમાં રૂપિયા 30,000 ચૂકવી વાહનનો કબજો લીધો હતો. આ શખસે યુવાની જાણ બહાર આ વાહન વેચી દઈ છેતરપિંડી કરી હતી જે અંગે ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.


ધોરાજીમાં બહારપુરા વિસ્તારમાં પંચપીરની દરગાહ સામે રહેતા નઝીરહુશેન ઇકબામીયા સૈયદ (ઉ.વ 27) દ્વારા ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે જૂનાગઢમાં ઝાલો રાપા રોડ ડાંગરા ચોક પાસે અબરાર ટાવરમાં રહેતા શેખ આબીદમીયા શેખમિયાનું નામ આપ્યું છે.


ફરિયાદી પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેની માલિકીનું અશોક લેલન્ડ વાહન ગત તા. 1/1/2024 ના તેના પિતા ઈકબાલમીયા સૈયદે જૂનાગઢમાં રહેતા શેખ આબીદમીયા શેખમિયાને રૂપિયા દોઢ લાખમાં વેચ્યું હતું. જે સમયે આરોપી શેખ આબીદ મિયાએ રૂ. 30,000 રોકડા આપ્યા હતા અને બાકીના રૂપિયા 1.20 લાખ બે મહિનામાં લોન લઈને ભરપાઈ કરી દઈશ તેવું કહ્યું હતું બાદમાં તેણે આ વાહનનો કબજો લીધો હતો.


થોડા દિવસો બાદ આ આબીદમીયાનો ફરિયાદીના પિતાને ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમે મને વેચેલા વાહન પર મારે લોન લેવાની છે જેથી તમારા દીકરાનું આધારકાર્ડ મને મોકલો. જેથી વોટસએપ પર આધાર કાર્ડ મોકલ્યું હતું ત્યારબાદ આશરે એક મહિના પછી આબીદે બાકી નીકળતી રકમ રૂપિયા 1.20 લાખ આપી ન હોય તેની માંગણી કરતા કહ્યું હતું કે, મારે લોન થઈ નથી જેથી તેને કહ્યું હતું કે, તો હવે વાહન પરત આપી દો. જેથી આબીદે કહ્યું હતું કે વાહન મારી પાસે નથી ત્યારબાદ ફરિયાદીએ પોતાની રીતે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, આબીદ મિયાએ વાહન બારોબાર વેચી નાખ્યું છે. ત્યારબાદ માલુમ પડયું હતું કે, જૂનાગઢમાં રહેતા સલીમશા બકાતીબાપુ સર્વદી (રહે. સરગવાડા,જુનાગઢ) એ ફરિયાદીના પિતાને જણાવ્યું હતું કે, તેણે આવી દુનિયા પાસેથી આ વાહન ૮૭,૭૮૬ આપીને ખરીદ્યું છે. જેથી આ બાબતે ફરિયાદીની જાણ બહાર તેમનું વાહન બારોબાર વેચી તેમની સાથે ઠગાઈ કરવા અંગે ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. બનાવ અંગે વધુ તપાસ પીઆઇ પી.કે. રાવત ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application