શહેરમાં માથાભારે અને લુખ્ખા તત્વોને પોલીસનો કોઇ ખૌફ જ ન રહ્યો હોય તેમ રૈયાધાર ઇન્દિરાનગરમાં રહેતા યુવાનને ઉત્તરાયણના દિવસે અહીં જ રહેતા વોરા બંધુએ જુના મનદુ:ખ સબબ મારમાર્યો હતો. જે અંગે યુવાને ફરિયાદ કરી હતી. તેના બીજા દિવસે એટલે કે ગઇકાલે આરોપી અન્ય ત્રણ અજાણ્યા શખસો સાથે યુવાનના ઘરે પહોંચી તેને પાઇપ વડે મારમાર્યો હતો. જે અંગે યુવાને યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
રૈયાધાર ઇન્દિરાનગર બહુચર પ્રોવિઝન સ્ટોરની સામે રહેતા કૌશલ નીતિનભાઈ મકવાણા (ઉ.વ. 22) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઇન્દિરાનગરમાં રહેતા ભાવેશ પ્રવીણભાઈ વોરા અને ત્રણ અજાણ્યા શખસોના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના દોઢેક વાગ્યે આસપાસ તે તથા તેની પત્ની વંદના ઘર પાસે સોસ ખાડો ખોદાવતા હતા દરમિયાન તેને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને ભાવેશ વોરાએ વાત કરી હતી અને કહ્યું હતું કે હું તથા મારા માણસો આવીએ છીએ આજે તો તારા ટાંટિયા ભાંગી નાખવા છે તેવી ધમકી આપી હતી.
થોડીવાર બાદ યુવાનના ઘર પાસે રિક્ષા નંબર જીજે 3 બીટી 1658 તથા એક નંબર પ્લેટ વગરનું બુલેટ આવ્યું હતું. જે તેના ઘર પાસે ઉભું રાખી ભાવેશ વોરા તથા ત્રણ અજાણ્યા શખસોએ નીચે ઉતરી યુવાન પાસે આવી માથાકૂટ કરવા લાગ્યા હતા અને પ્લાસ્ટિકના ધોકા લઇ તેને માર મારવા લાગ્યા હતા. જેથી યુવાન અહીંથી દોડી ઢાળ તરફ ભાગી ગયો હતો અને બાદમાં 112 માં કોલ કર્યો હતો અને 108 પણ બોલાવી હતી. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા બાદ તેણે આ અંગે ફરિયાદ નોંધાવી છે.
યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ઉતરાયણના દિવસે તેને ભાવેશ વોરા અને તેના ભાઈ સચિન વોરા સાથે જૂનામનદુ:ખ સબબ માથાકૂટ થઈ હોય જે અંગે પોલીસ ફરિયાદ કર્યા બાદ ભાવેશ અવારનવાર ફોન કરી ટાટિયા ભાંગી નાખવાની ધમકી આપતો હોય અને ગઈકાલે ભાવેશ તથા ત્રણ અજાણ્યા શખસોએ અહીં આવી આ હુમલો કર્યો હતો. યુવાનની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.