BREAKING NEWS

જાપાનમાં મહિલાઓ માંગી રહી છે પોતાના શરીરના હક: નસબંધી માટે કાનૂની લડત

  • March 14, 2026 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલના કાયદા મુજબ, કોઈ મહિલાને નસબંધી કરાવવાની મંજૂરી ત્યારે જ મળે જ્યારે તેની પાસે પહેલેથી ઘણા બાળકો હોય અને ગર્ભાવસ્થા તેના સ્વાસ્થ્ય માટે જોખમરૂપ બને


નવી દિલ્હી


જાપાનમાં મહિલાઓના પ્રજનન અધિકારોને લઈને મહત્વપૂર્ણ કાનૂની લડત ચાલી રહી છે. 29 વર્ષની કઝાને કાજિયા નામની યુવતીએ 27 વર્ષની વયે અમેરિકામાં જઈ સ્વૈચ્છિક રીતે પોતાની નસબંધી કરાવી હતી. આ પગલું તેમણે જાપાનના પિતૃસત્તાત્મક સમાજ અને મહિલાઓ પર માતૃત્વનું દબાણ કરતી માનસિકતા સામે વિરોધરૂપે લીધું હતું.


જાપાનમાં જન્મદર સતત ઘટી રહ્યો છે અને દેશ ઝડપથી વૃદ્ધ વસ્તી તરફ આગળ વધી રહ્યો છે. સરકાર જન્મદર વધારવા માટે અનેક પ્રયાસો કરી રહી છે. પરંતુ આવા સમયમાં પોતે માતા બનવા ઇચ્છતી ન હોય તેવી મહિલાઓને ઘણી વખત સમાજમાં અસ્તિત્વહીન ગણવામાં આવે છે, એમ કાજિયાએ એક સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.


હાલમાં કાજિયા સહિત પાંચ મહિલાઓ જાપાનના દાયકાઓ જૂના માતૃત્વ સુરક્ષા કાયદા સામે અદાલતમાં પડકાર આપી રહી છે. આ કાયદા મુજબ, કોઈ મહિલાને નસબંધી કરાવવાની મંજૂરી ત્યારે જ મળે છે જ્યારે તેની પાસે પહેલેથી ઘણા બાળકો હોય અને ગર્ભાવસ્થા તેના સ્વાસ્થ્ય માટે જોખમરૂપ બને. ઉપરાંત, આ પ્રક્રિયા માટે પતિની મંજૂરી પણ ફરજિયાત છે.


આ નિયમો કારણે સ્વસ્થ અને નિસંતાન મહિલાઓ માટે નસબંધી કરાવવી લગભગ અશક્ય બની જાય છે. કાજિયાએ જણાવ્યું કે તેમને પોતાની ફેલોપિયન ટ્યુબ કાઢાવા માટે અમેરિકામાં જવું પડ્યું, જ્યાં આ પ્રક્રિયા સરળ અને ઓછા જોખમવાળી ગણાય છે.


આ કેસને માતૃત્વ મારા શરીરનો હેતુ નથી નામ આપવામાં આવ્યું છે અને તેના પર આવનારા સમયમાં અદાલતનો મહત્વપૂર્ણ નિર્ણય આવવાની શક્યતા છે. કેસની મુખ્ય વકીલ મિચિકો કામેઇશીએ જણાવ્યું કે આ કાયદો મહિલાઓને સ્વતંત્ર વ્યક્તિ તરીકે માન્યતા આપતો નથી. પતિની મંજૂરી ફરજિયાત રાખવાથી એવું દર્શાવે છે કે મહિલાઓને પોતાના શરીર વિશે નિર્ણય લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા નથી.


કામેઇશીનું કહેવું છે કે મહિલાઓને પોતાના શરીર પર સંપૂર્ણ અધિકાર હોવો જોઈએ અને નસબંધીને પ્લાસ્ટિક સર્જરી અથવા ટેટૂ કરાવવાની જેમ વ્યક્તિગત પસંદગી તરીકે જોવી જોઈએ.


કાજિયાએ જણાવ્યું કે બાળપણથી જ તેમને કહેવામાં આવતું હતું કે મહિલાનું શરીર સંતાન જન્માવવા માટે બનાવાયું છે. પરંતુ તેમણે આ વિચારધારાને સ્વીકારવાનો ઇનકાર કર્યો. તેમના શબ્દોમાં, અમે માત્ર ગર્ભ નથી, અમે મનુષ્ય છીએ. આ કેસનો નિર્ણય જાપાનમાં મહિલાઓના શારીરિક સ્વતંત્રતા અને પ્રજનન અધિકારો અંગે મહત્વપૂર્ણ દિશા નક્કી કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News