BREAKING NEWS

મહિલાને ઓફિસમાં ભાગીદારે બેરહેમીપૂવર્ક મારમાર્યો, વીડિયો સામે આવતા ભારે રોષ

  • December 11, 2025 04:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
કાલાવડ રોડ પર રહેતી મહિલાને ભાગીદાર એવા આકશવાણી ચોકમાં રહેતા શખસે બેફામ મારમાર્યો હતો. જે અંગેનો વીડિયો સામે આવતા આ શખસ પ્રત્યે રોષની લાગણી ફેલાઇ જવા પામી છે. આ અંગે મહિલાની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે આકાશવાણી ચોક પાસે રહેતા મૌલિક નાદપરા સામે ગુનો નોંધી તેને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

કાલાવડ રોડ પર ઋષિ બંગલોમાં રહેતા જીનલબેન (ઉ.વ.36) નામના મહિલાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના ભાગીદાર આકાશવાણી ચોક પાસે રહેતા મૌલિક પ્રફુલકુમાર નાદપરાનું નામ આપ્યું છે.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે એમબીએનો અભ્યાસ કર્યો છે અને નોકરીની જરૂરિયાત હોવાથી વર્ષ 2021 માં ઓનલાઈન જોબ એપ્લિકેશન મારફત મૌલિક નાદપરાનો સંપર્ક થયો હતો તેની સાથે ફોન પર વાત થઈ હતી અને તેની ઓફિસ મળવા ગયા બાદ અવારનવાર કામ બાબતે વાતચીત થતી હતી. ત્યારબાદ બંને ભાગીદારીમાં ઓફિસ લઈ ધંધો કરવાનું નક્કી કર્યું હતું. મૌલીકે મહિલાને તેના નામે લોન લઈ આપતા આપણે સાથે હપ્તા ભરીશું તેવું કહેતા મહિલાએ લોન લઈ વર્ષ 2023 માં 150 ફૂટ રીંગ રોડ પર શીતલ પાર્ક ચોકમાં ધ સ્પયર બિલ્ડીંગમાં ઓફિસ નંબર 913 લઈ પેકેજીંગ પ્રોડક્ટનું ધંધો શરૂ કર્યો હતો. ત્યારબાદ આ મૌલિક ધંધામાં ધ્યાન આપવાનું બંધ કરી દેતા ધંધો ઓછો ચાલવા લાગતા મહિલા તેને સમજાવતા તે બોલાચાલી કરી ઝઘડો કરી મને સલાહ આપતી નહીં તેમ કહેવા લાગ્યો હતો.

જૂન 2025 માં મહિલા ઓફિસ હતી ત્યારે બપોરે બારેક વાગ્યા આસપાસ મૌલિકને તેણે કહ્યું હતું કે, બેંકમાં આપણી લોનના હપ્તા ભરવાનું ચાલુ છે. જેથી તું ધંધામાં ધ્યાન આપ આમ કહેતા મોલિકે ઉશ્કેરાઇ ગાળો આપી મહિલાના વાળ પકડી ગળું પકડી નીચે પછાડી દઈ બેફામ મારમાર્યો હતો. બાદમાં ઓફિસમાં પ્લાસ્ટિકનો નાનો પાઇપ લઈ તેના વડે મારમારી વાળ પકડી કહ્યું હતું કે, હવે મને કોઈ સલાહ ન આપતી બાકી જાનથી મારી નાખીશ. મહિલાએ આ બાબતે તેની સહેલી અને બહેનને વાત કર્યા બાદ ફરિયાદ નોંધાવાનું નક્કી કરી અંતે મૌલિક પ્રફુલભાઈ નાદપરા (રહે. આકાશવાણી ચોક) વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો. આ અંગે પોલીસે તપાસ કરી આરોપીને સકંજામાં લઈ જરૂરી કાર્યવાહી કરી છે.



પાંચ વર્ષની પુત્રીની નજર સામે માતાને મારમાર્યો

મહિલાના લગ્ન વર્ષ ૨૦૧૬ થયા બાદ છુટાછેડા થઇ જતા તે અહીં માવતરના ઘરે પાંચ વર્ષની બાળકી સાથે રહે છે. મૌલિકે માસુમ બાળકીની નજર સામે તેની માતાને બેફામ મારમાર્યો હતો. જે દ્રશ્ય જોઇ આ માસુમ બાળા ગભરાઇ ગઇ હતી. તેમ છતા અર્ધબેભાન બની ગયેલી પોતાની માતાને જગાવવાની કોશિશ કરતી હોય તવું વીડિયોમાં નજરે પડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application