બ્રિટનના રાજકારણમાં હાલમાં એક નાનકડું શહેર ‘એશ્ટન-ઇન-મેકરફિલ્ડ’ (Ashton-in-Makerfield) સમગ્ર દેશની સત્તાના સમીકરણો બદલવાનું કેન્દ્રબિંદુ બન્યું છે. આગામી ૧૮ જૂનના રોજ આ બેઠક પર યોજાનારી પેટાચૂંટણી (By-election) એ નક્કી કરી શકે છે કે વર્તમાન વડાપ્રધાન કીર સ્ટાર્મર (Keir Starmer) પોતાની ખુરશી બચાવી શકશે કે નહીં. લેબર પાર્ટીના જ દિગ્ગજ નેતા એન્ડી બર્નહેમ આ બેઠક પરથી સંસદમાં પહોંચીને પીએમ સ્ટાર્મરને સીધો પડકાર આપવાની તૈયારી કરી રહ્યા છે.
વોલ સ્ટ્રીટ જર્નલ (The Wall Street Journal) ના અહેવાલ અનુસાર મેકરફિલ્ડની આ પેટાચૂંટણી પર આખા બ્રિટનની નજર ટકેલી છે. આ બેઠક પરથી લેબર પાર્ટીના એન્ડી બર્નહેમ (Andy Burnham) ચૂંટણી મેદાનમાં છે, જેઓ હાલમાં ગ્રેટર માન્ચેસ્ટરના મેયર છે અને અગાઉ ટોની બ્લેર તથા ગોર્ડન બ્રાઉનની લેબર સરકારોમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. જો બર્નહેમ આ બેઠક જીતશે, તો વડાપ્રધાન કીર સ્ટાર્મર માટે મુશ્કેલીઓ વધી જશે.
કીર સ્ટાર્મર સામે કેમ ઉઠ્યા સવાલો?
તાજેતરમાં બ્રિટનમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓમાં સત્તાધારી લેબર પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો. ત્યારપછી જ પાર્ટીની અંદર વડાપ્રધાન કીર સ્ટાર્મરના નેતૃત્વ સામે અસંતોષના સૂર ઉઠ્યા છે. પક્ષના ઘણા સાંસદો ઇચ્છી રહ્યા છે કે લેબર પાર્ટીને એક નવો અને મજબૂત ચહેરો મળે. આવા સંજોગોમાં એન્ડી બર્નહેમને સ્ટાર્મરના સબળ વિકલ્પ અને આગામી વડાપ્રધાનના દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે.
રિફોર્મ UK પાર્ટીનો જોરદાર પડકાર
એન્ડી બર્નહેમ માટે આ ચૂંટણી જીતવી જરાય આસાન નથી, કારણ કે બ્રિટનમાં હાલ વધતી મોંઘવારી, નબળી અર્થવ્યવસ્થા અને ઈમિગ્રેશન (અન્ય દેશોમાંથી આવતા લોકો) ના મુદ્દે જનતામાં ભારે રોષ છે.
આ જનરોષનો સીધો ફાયદો ‘રિફોર્મ યુકે’ (Reform UK) પાર્ટીને મળી રહ્યો છે, જેના નેતા નિગેલ ફરાજ (Nigel Farage) છે. ફરાજ ઈમિગ્રેશન વિરુદ્ધ કડક વલણ રાખવા માટે જાણીતા છે.
મેકરફિલ્ડ પરંપરાગત રીતે લેબર પાર્ટીનો મજબૂત ગઢ ગણાતો હતો, જ્યાં મોટે ભાગે મજૂર વર્ગ અને ફેક્ટરીના કામદારો રહે છે. પરંતુ, ગયા મહિનાની સ્થાનિક ચૂંટણીઓમાં અહીં રિફોર્મ યુકે પાર્ટીને લેબર પાર્ટી કરતાં લગભગ બમણા વોટ મળ્યા હતા. અહીંના સામાન્ય નાગરિકોનું માનવું છે કે જૂની પરંપરાગત પાર્ટીઓ તેમની સમસ્યાઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છે.
બ્રેક્ઝિટ (Brexit) અને મોંઘવારીનો મુદ્દો
આ વિસ્તારમાં વર્ષ ૨૦૧૬માં ૬૫% લોકોએ યુરોપિયન યુનિયન (EU) છોડવાના પક્ષમાં એટલે કે બ્રેક્ઝિટની તરફેણમાં મતદાન કર્યું હતું. એન્ડી બર્નહેમ અગાઉ બ્રિટનને ફરીથી યુરોપિયન યુનિયનમાં સામેલ કરવાની વકીલાત કરતા હતા, પરંતુ બદલાયેલા મૂડને જોઈને હવે તેઓ કહી રહ્યા છે કે આ તેના માટે યોગ્ય સમય નથી.
બર્નહેમનું કહેવું છે કે લોકોની સૌથી મોટી સમસ્યા મોંઘવારી છે. જો સરકાર પબ્લિક સર્વિસીસ (જાહેર સેવાઓ) પાછળ વધુ ખર્ચ કરે અને કેટલીક સેવાઓનું રાષ્ટ્રીયકરણ (Nationalisation) કરે, તો સામાન્ય જનતાને મોટી રાહત મળી શકે છે.
જો એન્ડી બર્નહેમ આ ચૂંટણી જીતી પણ જાય, તો પીએમ બનવા માટે તેમણે લેબર પાર્ટીના સાંસદો અને સભ્યોનો વિશ્વાસ જીતીને પક્ષની અંદર એક લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. પરંતુ એટલું ચોક્કસ છે કે આ નાનકડા કસ્બાની ચૂંટણી બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરના ભવિષ્યનો ફેંસલો જરૂર કરશે.