BREAKING NEWS

ઈરાન-અમેરિકા વચ્ચે હવે રશિયા કરાવશે સમાધાન? ઇસ્લામાબાદ મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ પુતિનની એન્ટ્રી

  • April 12, 2026 11:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે 1979 પછીની પ્રથમ સીધી વાતચીત કોઈ પણ સમજૂતી વગર સમાપ્ત થઈ છે. આ નિષ્ફળતાને કારણે હાલમાં ચાલી રહેલા બે અઠવાડિયાના યુદ્ધવિરામ (સીઝફાયર) તૂટવાનો ભય ઉભો થયો છે. આ નાજુક સમયે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મેદાનમાં આવીને ઈરાનને રાજકીય અને કૂટનીતિક ઉકેલ લાવવામાં મદદ કરવાની ખાતરી આપી છે.


પુતિનની ઈરાન સાથે વાતચીત
ક્રેમલિન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર પુતિને ઈરાની રાષ્ટ્રપતિ પેજેશ્કિયન સાથે ફોન પર લાંબી ચર્ચા કરી હતી. પુતિને ભારપૂર્વક જણાવ્યું કે, રશિયા મધ્ય પૂર્વમાં કાયમી શાંતિ સ્થાપવા માટે અને સંઘર્ષના રાજદ્વારી ઉકેલની શોધને સરળ બનાવવા માટે તૈયાર છે. અગાઉ જૂન 2025માં પણ પુતિને ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વચ્ચે-બચાવ કરવાની ઓફર કરી હતી.


શા માટે નિષ્ફળ રહી ઇસ્લામાબાદ મંત્રણા?

અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર વાતચીત તૂટવાનું મુખ્ય કારણ ઈરાનનો પરમાણુ કાર્યક્રમ છે. અમેરિકા ઈચ્છે છે કે ઈરાન પરમાણુ હથિયારો બનાવવાનો રસ્તો કાયમી ધોરણે છોડી દે, પરંતુ ઈરાન આ માટે તૈયાર નથી. હોર્મુઝની સામુદ્રધુની પર નિયંત્રણ અને ઈરાનની બેલિસ્ટિક મિસાઈલ ક્ષમતા અંગે બંને પક્ષો વચ્ચે ઊંડા મતભેદો છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બઘેર ગાલિબાફે અમેરિકા પર આરોપ લગાવ્યો કે તેઓ ઈરાનનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યા છે, જ્યારે ઈરાની પ્રતિનિધિમંડળે અનેક સકારાત્મક પ્રસ્તાવો રજૂ કર્યા હતા.


અમેરિકા પર રશિયાના પ્રહારો
રશિયાએ અમેરિકાની રણનીતિની ટીકા કરતા કહ્યું છે કે, વોશિંગ્ટન ઈરાનના 'કાલ્પનિક જોખમ'નો ઉપયોગ કરીને ત્યાંની બંધારણીય વ્યવસ્થાને તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. રશિયાએ અમેરિકાની તે અપીલને પણ 'અમાનવીય' ગણાવી છે જેમાં ઈરાની જનતાને તેમના નેતાઓ પાસેથી સત્તા છીનવી લેવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા.


​​​​​​​રશિયા પોતે હાલમાં યુક્રેન સાથેના યુદ્ધમાં વ્યસ્ત છે, છતાં મધ્ય પૂર્વમાં તેની વધતી જતી સક્રિયતા વૈશ્વિક રાજકારણના નવા સમીકરણો તરફ ઈશારો કરે છે. હવે જોવાનું એ રહેશે કે શું અમેરિકા રશિયાની આ મધ્યસ્થીની ઓફર સ્વીકારે છે કે પછી મધ્ય પૂર્વમાં ફરી એકવાર ભીષણ યુદ્ધની શરૂઆત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News