ઈરાનની સરકારી મીડિયા અને સમાચાર સંસ્થા 'તસ્નીમ' ના અહેવાલ મુજબ ઈરાની એર ડિફેન્સ સિસ્ટમે મધ્ય ઈરાનના આકાશમાં ઘૂસી આવેલા અમેરિકી વાયુસેનાના F-35 લડાયક વિમાનને નિશાન બનાવીને તોડી પાડ્યું છે. ઈરાનનો દાવો છે કે આ વિમાન પડ્યા બાદ તેનો પાયલોટ પેરાશૂટની મદદથી ઈરાનની ધરતી પર ઉતર્યો હતો, જેને ત્યાંની સેનાએ પકડી પાડ્યો છે. જોકે, અન્ય કેટલાક અહેવાલો મુજબ જેટમાં થયેલા પ્રચંડ વિસ્ફોટને કારણે પાયલોટ બચવાની શક્યતા ઓછી છે.
રેસ્ક્યુ ઓપરેશન પર ત્રાટકી ઈરાની સેના
ઈરાને વધુમાં દાવો કર્યો છે કે જ્યારે અમેરિકાએ પોતાના પાયલોટને બચાવવા માટે 'બ્લેક હોક' હેલિકોપ્ટર અને C-130 વિમાન ઈરાનની સરહદમાં મોકલ્યા, ત્યારે ઈરાની સેનાએ તેને ઘૂસણખોરી ગણીને તેમના પર પણ હુમલો કર્યો હતો. ઈરાને પાયલોટને બચાવવા આવેલા અમેરિકી હેલિકોપ્ટરોને પણ તોડી પાડ્યા છે. કેટલીક તસવીરો અને અહેવાલો મુજબ અમેરિકાએ એકસાથે ચાર બ્લેક હોક હેલિકોપ્ટર રેસ્ક્યુ માટે મોકલ્યા હતા.
શું આ બીજું F-35 જેટ છે?
ઈરાનના સૈન્ય મુખ્ય મથક 'ખતમ અલ-અંબિયા' ના પ્રવક્તાએ જણાવ્યું કે આ બીજું F-35 જેટ છે જેને ઈરાની એર ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યું છે. આ અગાઉ 19 માર્ચે પણ ઈરાને આવી જ એક ઘટનાનો દાવો કર્યો હતો. જોકે તુર્કીની કેટલીક મીડિયા રિપોર્ટ્સનું કહેવું છે કે આ વિમાન F-35 ના બદલે અમેરિકાનું F-15E મોડેલ હોઈ શકે છે.
અત્યાર સુધીના નુકસાનના આંકડા
ઈરાની કમાન્ડર મુજબ આ યુદ્ધમાં તેમણે અત્યાર સુધીમાં અમેરિકા અને ઈઝરાયેલના 125 થી વધુ ડ્રોન તોડી પાડ્યા છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તેમની નવી અને અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ કોઈ પણ વિદેશી વિમાનને ઈરાની આકાશમાં પ્રવેશતા રોકવા માટે સક્ષમ છે.
અત્યાર સુધી અમેરિકી રક્ષા મંત્રાલય 'પેન્ટાગોન' તરફથી આ દાવાઓ પર કોઈ સત્તાવાર પુષ્ટિ કે પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જો ઈરાનનો આ દાવો સાચો સાબિત થાય છે, તો આ ઘટના અમેરિકા માટે મોટો લશ્કરી અને રાજદ્વારી ફટકો ગણાશે અને બંને દેશો વચ્ચે સીધા યુદ્ધનો ખતરો વધી જશે.