BREAKING NEWS

યુક્રેન પર રશિયાના વિનાશક હુમલામાં WHO ની ઓફિસને ભારે નુકસાન: સંયુક્ત રાષ્ટ્રની અનેક એજન્સીઓ પર તોળાયું જોખમ

  • May 25, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની ઝપેટમાં હવે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ આવી ગઈ છે. રવિવારે રાત્રે રશિયા દ્વારા યુક્રેનની રાજધાની કીવ પર કરવામાં આવેલા પ્રચંડ મિસાઈલ અને ડ્રોન હુમલામાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ની મુખ્ય ઓફિસને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઘટના બાદ વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે ઊંડી ચિંતા વ્યક્ત કરીને બંને દેશોને તાત્કાલિક યુદ્ધવિરામ (Ceasefire) કરવાની ભાવુક અપીલ કરી છે.


રશિયાએ તાજેતરમાં કીવના રહેણાંક વિસ્તારો, શાળાઓ અને કોમર્શિયલ ઇમારતો પર જે મોટો હુમલો કર્યો હતો, તેમાં આંતરરાષ્ટ્રીય રાજદ્વારી ગણાતી ઇમારતો પણ સુરક્ષિત રહી નથી. આ હુમલામાં કીવ સ્થિત ડબ્લ્યુએચઓ (WHO) ના કાર્યાલયને સીધું નુકસાન થયું છે.


ઓફિસના ત્રીજા માળની બારીઓ તૂટી, મોટી જાનહાનિ ટળી
વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખ ટેડ્રોસ અધાનમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર નુકસાનની તસવીરો શેર કરતા આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે લખ્યું કે, "કીવમાં થયેલા અનેક હુમલાઓમાંથી એક પ્રહાર યુક્રેનની અમારી WHO ઓફિસ પર પણ થયો, જેના કારણે બિલ્ડિંગને નુકસાન થયું છે." હુમલાના કારણે ઓફિસના ત્રીજા માળની બારીઓના કાચ સંપૂર્ણપણે તૂટી ગયા હતા. સદનસીબે, હુમલા સમયે ઓફિસમાં કોઈ હાજર ન હોવાથી કોઈ કર્મચારી ઘાયલ થયા નથી અને મોટી જાનહાનિ ટળી છે.


એ જ ઇમારતમાં છે યુએન (UN) ની અન્ય એજન્સીઓ

માનવતાવાદી અને નાગરિકો માટેના મૂળભૂત માળખા પર થઈ રહેલા હુમલા તરફ વિશ્વનું ધ્યાન દોરતા ટેડ્રોસે જણાવ્યું કે, જે બિલ્ડિંગને રશિયાએ નિશાન બનાવી છે તેમાં માત્ર WHO જ નહીં, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર (UN) ની અન્ય ઘણી મહત્વની એજન્સીઓના પણ ઠેકાણા છે. તેમણે સખત શબ્દોમાં કહ્યું કે, "આરોગ્ય સંસ્થાઓ અને સામાન્ય નાગરિકો પર થઈ રહેલા આવા હુમલા કોઈપણ ભોગે બંધ થવા જોઈએ. અમે ફરી એકવાર યુદ્ધવિરામની અપીલ કરીએ છીએ, કારણ કે અત્યારની સ્થિતિમાં શાંતિ જ સૌથી શ્રેષ્ઠ દવા છે."


બદલાની આગમાં હોમાયું કીવ
રશિયા દ્વારા રવિવારે રાત્રે કરવામાં આવેલા આ આક્રમણ પાછળ મોસ્કોનો બદલાનો પ્લાન હતો. રશિયન સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, થોડા દિવસો પહેલા યુક્રેને રશિયાના કબજા હેઠળના વિસ્તારમાં હુમલો કર્યો હતો, જેમાં ૧૮ રશિયન નાગરિકોના મોત થયા હતા. આ ઘટનાનો બદલો લેવા માટે રશિયાએ કીવ પર સેંકડો ડ્રોન અને મિસાઈલો દાગી દીધી હતી. આ જવાબી હુમલામાં યુક્રેનના ૪ નાગરિકોના મોત થયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેના કારણે યુદ્ધ વધુ વકરવાની આશંકા સેવાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News