BREAKING NEWS

શાકભાજીના ધંધાર્થીએ દોઢ લાખના ૭.૫૦ લાખ ચૂકવ્યા છતા વ્યાજખોર દ્વારા ધમકી

  • October 18, 2025 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
જેતપુરનો શાકભાજીનો ધંધાર્થીએ ગોલાનો ધંધો શરૂ કરવા લીધેલા દોઢ લાખ રૂપિયા સામે વ્યાજખોરે સાડા સાત લાખ પડાવ્યા હતા તેમ છતાં વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા યુવાને આ અંગે જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


જેતપુરના ખોડપરાના જીન પ્લોટમાં રહેતા શાકભાજીના ધંધાર્થી સિકંદરભાઈ હનીફભાઈ રાઠોડ(ઉ.વ ૩૨)એ જેતપુર સીટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વેલકમ ચાઈનીઝ પેઢીના માલિક ચંદુભાઈનું નામ આપ્યું છે.


યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે જેતપુરના એમ.જી.રોડ શાર્ક માર્કેટમાં શાકભાજીની થડો ધરાવી વેપાર કરે છે. ફેબ્રુઆરી ૨૦૨૧ માં તેને આઇસ-ગોલાનો ધંધો શરૂ કરવાનો હોય જેના માટે પૈસાની જરૂરીયાત પડતા વેલકમ ચાઈનીઝ પેઢીના માલિક ચંદુભાઈની દુકાને ગયો હતો. ત્યાં જઈને દોઢ લાખની જરૂરીયાત હોવાનું જણાવ્યું હતું. જેથી તેણે મને દોઢ લાખ રૂપિયા 10 ટકા વ્યાજ પેટે આપ્યા હતા. બાદમાં યુવાને તા.૦૪/૦૩/૨૦૨૧ ના રોજ ચંદુભાઇને રાત્રીના અગીયાર વાગ્યાના સમયે વિશાલ મેગામોલની સામે, વેલકમ ચાઇનીઝ નામના ડેલામાં અંદર રૂ.૧૫૦૦૦ વ્યાજ પેટે આપેલ હતા. બાદમાં તે 2023 સુધી મોટાભાગે દર મહિનાની શરૂઆતના પાંચેક દિવસની અંદર તેને અલગ અલગ જગ્યાએ વ્યાજના 15 હજાર ચૂકવી દેતો હતો. એમ કુલ 23 મહિના સુધી વ્યાજ પેટે રૂ.3.45 લાખ ચૂકવ્યા હતા.


બાદ ફેબ્રુઆરી ૨૦૨૩ માં યુવાનની દિકરીની તબીયત ખરાબ થતા દવાખાનામાં દાખલ કરેલ હતી.જેના કારણે તે ફેબ્રુઆરી તથા માર્ચ મહિનામાં વ્યાજનો હપ્તો આપી શકેલ નહી. જેથી ચંદુ અવાર નવાર મારા શાકભાજીના થડે આવી વ્યાજની ઉઘરાણી કરી જો તું પૈસા નહિ આપે તો જોવા જેવી થશે કહી ધમકી આપતાં હતા. બાદ એપ્રીલ મહિનામાં ચંદુભાઈ ધારેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલ યુવાનના મિત્ર હમીદભાઇ હસનભાઈના અમુલ નામના કારખાના ખાતે યુવાન પાસે આવી કહેલ કે, તું કેમ વ્યાજનો હપ્તો બે મહિનાથી આપતો નથી. જેથી મે તેમને મારી દિકરીની દવાખાનાની વાત કરેલ હતી. પરંતુ ચંદુભાઈએ મને કહેલ કે, એ તારો પ્રશ્ન છે, તારે જેમ કરવું હોય તેમ કર પરંતુ મને સમયસર મારા વ્યાજનો હપ્તો આપી દેજે નહીતર તારા હાથ-પગ સાજા નહી રહેવા દઉં તેમ ધમકી આપેલ હતી. બાદમાં તેઓ કારખાના પાસે ધંધાની લારી પડેલ હોય તે બળજબરીપૂર્વક પાસેથી લઈને જતા રહેલ હતા. અને જતા જતા કહેલ કે, હવેથી સમયસર આવીને વ્યાજનો હપ્તા આપી જાજે નહીતર આજે તો લારી લઇને જતો રહું છું પરંતુ બીજી વખત તેને જીવતો નહી રહેવા દઉં તેમ ધમકી આપેલ હતી.


ત્યારબાદ મે ફરીથી એપ્રીલ મહિનાથી રૂ. ૧૫ હજાર લેખે વ્યાજનો હપ્તો આપવાનું શરૂ કરી દિધેલ હતું.જૂન-2025 સુધી એટલે કે 27 માસ સુધી કુલ રૂ. 4.05 લાખ એટલે કે કુલ રૂ. 7.50 લાખ વ્યાજ પેટે ચંદુભાઈને ચુકવેલ હતા. બાદ ચાલુ વર્ષના જૂન મહિના પછી ધંધામાં મંદી આવતા વ્યાજ નહીં ચૂકવી શકતા ગઇ તા.૧૧/૧૦/૨૦૨૫ ના રોજ બપોરના સમયે ચંદુભાઈ ખોડપરા ખાતે મારી પાસે આવી કહેલ કે, મારા ડેલે આવજે. જેથી યુવાન તેમના ચાઇનીઝના ડેલે ગયેલ હતો. ત્યાં ચંદુભાઇએ કહેલ કે, તારે વ્યાજના હપ્તા આપવાના છે કે નહી? જો મને હપ્તો નહી મળે તો હું તને જાનથી મારી નાખીશ કહી ગાળો આપવા લાગેલ હતા. જેથી અંતે યુવાને જેતપુર પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application