BREAKING NEWS

આટકોટ પાસે બોલેરોમાં ક્રુરતાપૂર્વક બાંધી લઇ જવાતા બે બળદને મુકત કરાવાયા

  • November 14, 2025 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
આટકોટથી રાજકોટ જતા ગોંડલ ચોકડી પાસે જીવદયાપ્રેમીઓએ બોલેરો અટકાવી હતી. તેમાં બે બળદને ક્રૂરતાપૂર્વક બાંધેલા હોય અને આ બળદને મહારાષ્ટ્રના ધુલિયા ખાતે કતલખાને લઈ જતા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આ મામલે બોટાદના બરવાળામાં રહેતા ચાલક સામે પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.


કૃપા ફાઉન્ડેશનમાં જીવદયા તથા ગૌસેવાને લગતી સેવાકીય પ્રવૃત્તિ કરનાર ભાવિનભાઈ ઘનશ્યામભાઈ ધીયાડ (રહે. મોરબી રોડ, રાજકોટ) દ્વારા આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભવાનભાઈ હરિભાઈ ભુવા (ઉ.વ. 23 રહે. બરવાળા જિ. બોટાદ) નું નામ આપ્યું છે.


ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા. 12/11 ના રાત્રિના 10:30 વાગ્યા આસપાસ એવી માહિતી મળી હતી કે, ગોંડલ પાસેના રામોદ ગામેથી જસદણ તરફ એક સફેદ કલરની મહિન્દ્રા બોલેરો પીકઅપ નંબર જીજે 33 ટી 4104 વાહનમાં બળદ ભરી મહારાષ્ટ્રના ધુલિયા ખાતે કતલખાને લઈ જવાના છે. જેથી ગૌરક્ષકની ટીમ દ્વારા ગોંડલ ચોકડી પાસે વોચ ગોઠવી હતી અને પોલીસને પણ આ બાબતે જાણ કરી હતી. દરમિયાન આટકોટ પાસે ગોંડલ ચોકડી નજીક બોલેરો નીકળતા તેને અટકાવી હતી. ચાલકનું નામ પૂછતા તેનું નામ ભગવાન હરિભાઈ ભુવા (ઉ.વ. 23) હોવાનું જણાવ્યું હતું. બોલરોમાં જોતા અંદર ખીચોખીચ ટૂંકા દોરડાથી મોઢું બાંધી તથા પગ બાંધી ઘાસચારો વ્યવસ્થા કર્યા વગર બે બળદને બાંધ્યા હોય જેને કતલખાને લઈ જવાના ઇરાદે વાહનમાં લઈ જવામાં આવતા હોય જેથી આ અંગે જીવ દયાપ્રેમી દ્વારા આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે બોલેરો પીકઅપ વાહન કિંમત રૂ.4 લાખ અને બે પશુ કિં.રૂ. ૧૫ હજારના મુદ્દામાલ સાથે આ શખસોને ઝડપી લઇ તેના વિરુદ્ધ પશુ સંરક્ષણ અધિનીયમની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application