મેટોડા જીઆઈડીસીમાં કારખાનાની ઓરડીમાંથી ગાંજા સાથે બે પકડાયા
મેટોડા જીઆઈડીસીમાં કારખાનાની ઓરડીમાંથી ગાંજા સાથે બે પકડાયા
July 16, 2026 10:13 AM
મેટોડા જીઆઈડીસીના કારખાનાની ઓરડીમાંથી બે શખસોને 29 હજારના ગાંજા સાથે રાજકોટ રૂરલ એસઓજીની ટીમે ઝડપી લીધા હતાં. મૂળ એમપીના શ્રમિકો પોતે બંધાણી હોય તેઓ વતનથી ગાંજો લઇ આવ્યાનું પોલીસ સમક્ષ રટણ કર્યું હતું. આ અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત માદક પદાર્થની હેરાફેરીને સદંતર નેસ્ત નાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. જે સૂચના અનુસંધાને રૂરલ એસ.ઓ.જી. પીઆઈ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી. મિશ્રાની ટીમ મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ વિરડા અને કોન્સ્ટેબલ વિપુલભાઈ ગોહિલને સંયુક્ત રાહે બાતમી મળી હતી કે, મેટોડા જીઆઇડીસી ગેટ નંબર બે અને ત્રણની વચ્ચે આવેલ એડવિક હાઇટેક કારખાનાની ઓરડીમાં બે શખસોએ વનસ્પતિજન્ય ગાંજો છુપાવી રાખ્યો છે. બાતમીના આધારે રૂરલ એસઓજી ટીમે કારખાનાની ઓરડીમાં દરોડો પાડી અહીંથી રૂ.29,850 ની કિંમતનો 597 ગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કરી શિવા રાજુ બેલે અને અંકિત રામજી બેલે (બંને હાલ રહે. મેટોડા જીઆઇડીસી, એડવિક હાઇટેક કારખાનાની ઓરડીમાં, લોધીકા, રાજકોટ મૂળ રહે. બેતુલ, મધ્યપ્રદેશ) ને ઝડપી લીધા હતાં. પોલીસે અહીંથી ગાંજો અને મોબાઈલ મળી કુલ રૂ.39,850 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રૂરલ એસ.ઓ.જી ટીમની પ્રાથમિક પૂછપરછમાં બંને શખસો ગાંજાના બંધાણી હોય પોતાના નશા માટે વતન એમ.પી. ખાતેથી ગાંજો લઈ આવ્યાનું રટણ કર્યું હતું.