સુરત સહિત સમગ્ર ગુજરાતના રત્નકલાકારો અને હીરા ઉદ્યોગ જગતને હચમચાવી મૂકે તેવા ચિંતાજનક સમાચાર પશ્ચિમ આફ્રિકાના માલી દેશમાંથી સામે આવ્યા છે. સુરતના જાણીતા ૭૫ વર્ષીય ગુજરાતી હીરા ઉદ્યોગપતિ ધીરૂ રામાણી ત્યાંથી છેલ્લા ત્રણ મહિનાથી રહસ્યમય રીતે ગુમ થયા છે. આ ઘટનામાં ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે પરિવારને આશંકા ગઈ કે તેમનું કોઈ સ્થાનિક કટ્ટરપંથી સંસ્થા દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ અપહરણકર્તાઓ દ્વારા ત્રણેય ભારતીયોને મુક્ત કરવાના બદલામાં રૂપિયા ૧૦૦ કરોડની મસમોટી ખંડણીની માંગણી પણ કરવામાં આવી છે.
હજુ વધુ ચિંતાની વાત એ છે કે, ધીરૂભાઈની સાથે અન્ય બે ભારતીય નાગરિકો, જેમાં એક તેમનો અંગત રસોઈયો અને એક ઇલેક્ટ્રિશિયન સામેલ છે, તેઓ પણ લાપતા થયા છે. આ આખી ઘટના પ્રકાશમાં આવતા જ વિદેશમાં વેપાર કરતા સુરતના વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં ભારે ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ધીરૂ રામાણી અને અન્ય બે ભારતીયો ગુમ થવા પાછળ કોઈ સામાન્ય ગુનેગારો કે સ્થાનિક ગેંગનો હાથ નથી, પરંતુ કોઈ મોટી અને ક્રૂર કટ્ટરપંથી સંસ્થા સંડોવાયેલી હોવાની પ્રબળ આશંકા પરિવારના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. સુરતમાં રહેતા પરિવારના નજીકના સભ્યો પાસેથી મળતી વિગતો અનુસાર, વૈશ્વિક આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા એક સ્થાનિક કટ્ટરપંથી આતંકી જૂથે ત્રણેય ભારતીયોને પોતાના કબ્જામાં રાખ્યા છે. આ જૂથ દ્વારા જ ૧૦૦ કરોડ રૂપિયાની મોટી રકમની માંગણી કરાઈ છે, જેને પગલે હીરા બજારના સૂત્રોનું કહેવું છે કે પરિવાર હાલ ભારે માનસિક દબાણ હેઠળ જીવી રહ્યો છે. જો કે, સ્થાનિક સત્તાવાર તંત્ર દ્વારા હજુ આ મામલે સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે.
આ સમગ્ર સંવેદનશીલ મામલે ધીરૂ રામાણીના એક નજીકના સંબંધીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે અને તેમની પાસે અપહરણકર્તાઓ સાથે ખંડણીની રકમ અંગે વાટાઘાટો (નેગોશિયેશન) કરવા અને ભોગ બનનારાઓને સુરક્ષિત પાછા લાવવા સિવાય બીજો કોઈ મોટો વિકલ્પ બચ્યો નથી. પરિવારે આ આખી પરિસ્થિતિને પોતાની રીતે જ હેન્ડલ કરવાનો નિર્ણય કર્યો છે અને આમાં હજુ સુધી કોઈ સરકારી તંત્ર કે ભારત સરકારના વિદેશ મંત્રાલયને સત્તાવાર રીતે સામેલ કર્યા નથી. ધીરૂભાઈ રામાણીનો પરિવાર હાલ અમેરિકામાં સ્થાયી થયેલો છે અને તેઓ ત્યાંથી જ ટેકનોલોજીના માધ્યમથી આ કટ્ટરપંથી સંગઠન સાથે સીધો સંપર્ક સાધીને સતત કમ્યુનિકેશન કરી રહ્યા છે, જેથી વહેલી તકે કોઈ સુરક્ષિત રસ્તો નીકળી શકે.
બીજી તરફ, અપહરણ કરનારા કટ્ટરપંથીઓ પણ ખૂબ જ શાતિર અને પ્રોફેશનલ હોવાનું સામે આવ્યું છે. સંબંધીઓના જણાવ્યા અનુસાર, પરિવારે સોદો આગળ વધારતા પહેલા વેપારી અને અન્ય સ્ટાફ સુરક્ષિત છે કે નહીં તેની પાકી ખાતરી (પ્રૂફ ઓફ લાઈફ) માગી હતી. જેના પગલે તે કટ્ટરપંથીઓએ એક ગુપ્ત લોકેશન પરથી ધીરૂ રામાણી અને અમેરિકામાં રહેતા પરિવાર વચ્ચે લાઈવ વીડિયો કોલથી વાત કરાવી હતી. આ વીડિયો કોલ દરમિયાન પરિવારે નજરે જોયું કે ધીરૂભાઈ સહિત ત્રણેય ભારતીયો જીવતા અને સુરક્ષિત છે. ત્રણેય બંધકો સુરક્ષિત હોવાનો પુરાવો મળ્યા બાદ અમેરિકાથી પરિવારે કટ્ટરપંથી સંસ્થા સાથે નાણાંની લેવડદેવડ કરીને વહેલી તકે તેમને મુક્ત કરાવવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, ધીરૂ રામાણીનો પરિવાર પરંપરાગત રીતે વર્ષોથી સુરત અને વૈશ્વિક સ્તરે ડાયમંડ બિઝનેસ સાથે સંકળાયેલો છે અને બજારમાં ખૂબ મોટી શાખ ધરાવે છે. જો કે, થોડા વર્ષો પહેલા ધીરૂ રામાણીએ પોતાના બિઝનેસનું વૈવિધ્યકરણ કરીને આફ્રિકાના માલી દેશમાં સોનાની ખાણકામ (ગોલ્ડ માઇનિંગ) ના પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનું મોટું રોકાણ કર્યું હતું. તેઓ છેલ્લા બે વર્ષથી માલીમાં જ ગ્રાઉન્ડ લેવલ પર રહીને આ આખા માઇનિંગ પ્રોજેક્ટનું ઓપરેશન અને રોજબરોજનું કામકાજ જાતે સંભાળી રહ્યા હતા. આ દરમિયાન જ કોઈ અજ્ઞાત લોકેશન પરથી તેમનું અપહરણ કરી લેવાયું હતું, જો કે તેઓ ચોક્કસ કઈ જગ્યાએથી ગુમ થયા તે વિગતો હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી.