BREAKING NEWS

કેકેવી હોલ પાસે નેપાળી યુવાનની હત્યાના પ્રયાસ કરનાર બે ઝડપાયા

  • December 24, 2025 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેકેવી હોલ પાસે નેપાળી યુવાનની હત્યાના પ્રયાસમાં બે શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઈ કાર્યવાહી કરી હતી. શખ્સો સાથે વાસણ લઈ જવા બાબતે માથાકૂટ થઇ હતી જે બાદમાં ઉગ્ર થયેલા બંને શખ્સોએ છરી અને લાકડી વડે હુમલો કરતા યુવકને લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે યુવકના ભાઈની ફરિયાદના આધારે બંને હુમલાખોરોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.


પ્રાપ્ત વિગત મુજબ નાના મવા રોડ પર ગાંધી સ્કૂલ પાસે રહેતો ગોપાલ નવરાજભાઈ સાઉદ (ઉ.વ.૨૪) નો યુવક બે દિવસ પહેલા કેકેવી હોલ પાસે હતો ત્યારે રાત્રીના આશરે દશેક વાગ્યે ફુગ્ગા વેચવાવાળા શખ્સ સાથે માથાકૂટ થતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ શખસે છરીના ઘા મારી દેતા લોહી લુહાણ હાલતમાં યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકની હાલત ગંભીર જોવા મળી હતી. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસે યુવકના ભાઈ ચેતમાન સાઉદીની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળ નજીકના સીસીટીવી તપાસતા બે શખ્સોએ હુમલો કર્યો હોવાનું ફુટેજમાં સામે આવ્યું હતું. જેને પગલે ક્રાઇ બ્રાન્ચની ટીમે દેવરાજ ઉર્ફે લાલો મુકેશ ભગવાનજી પરમાર (ઉ.વ.૩૦) અને સોહન ઉર્ફે સોનું ખીમા રાઠોડ (ઉ.વ.૨૩), (રહે. બંને ઘંટેશ્વર ગામ પાસે, ૨૫ વારીયા ચીથરીયા પીરની દરગાહ પાસે, જામનગર રોડ, હાલ રહે. કે.કે.વી. હોલ પાસે પુલની નીચે)ને ઝડપી લઇ સરભરા કરી હતી.

આ કાર્યવાહી ડિસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોડલીયા, એમ.એલ.ડામોરની રાહબરીમાં પીએસઆઈ આર.કે.ગોહિલ, એ.એન.પરમાર, એ.એસ.ગરચર, એસ.વી.ચુડાસમા, વી.ડી.ડોડીયા અને ડી.પી.ઝાલા સહિતની ટીમે કરી હતી.

ઝડપાયેલા શખ્સોની પુછપરછમાં યુવાન અને બંને આરોપીઓ રખડતું ભટકતું જીવન જીવે છે. યુવક કેકેવી હોલ પાસે હતો ત્યારે સોહમની પત્નીએ અમારા વાસણ લઈ ગયો છે તે ક્યારે આપવાનો છો કહી ઝઘડો કરતા બંને વચ્ચે માથાકૂટ થતા છરી-લાકડીથી હુમલો કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application