શેરબજારમાં ઇન્વેસ્ટ કરાવી ખોટો નફો બતાવી ૪૧ લાખ છેતરપીંડીથી પડાવી લેનાર બે આરોપીને ઇન્દોરથી દ્વારકા સાયબર ક્રાઇમની ટીમ પકડી લાવી છે.
દ્વારકા એસપી જયરાજસિંહ વાળા, ડીવાયએસપી માનસેતાના માર્ગદર્શન હેઠળ, પીઆઇ વી.કે. કોઠીયા, પીએસઆઇ કાંબલીયા અને ટીમ સાયબર ફ્રોડના ગુનાના આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા, દરમ્યાન ટેકનીકલ અને હયુમન સોર્સના આધારે માહિતી મેળવી હતી.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુના મુજબ સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર બેનામી જાહેરાત મુકી ૧૦૦ ટકા નફો મળવાની લાલચ આપીને વિશ્ર્વાસમાં લઇ બનાવટી વેબસાઇટ પર ફરીયાદીના ફેક પ્રોફાઇલમાં બે કરોડનો ખોટો પ્રોફીટ દર્શાવી ૪૧.૦૭.૯૯૮ની છેતરપીંડી થઇ હતી. જે ગુનાનો ભેદ ઉકેલી મુખ્ય સુત્રધાર આરોપી મઘ્યપ્રદેશના ઇન્દોર ખાતે હોય જેથી ત્યાં તપાસ કરી આરોપી છતીસગઢના સરકડા બિલાસપુરના વતની અને હાલ સુખલીયામાં રહેતા દિલીપ માખનલાલ કેવટ અને ઇન્દોરના રેડીમેડ કોમ્પ્લેક્ષ રોડ પર રહેતા અમિત સુનિલ પ્રજાપતને પકડી મોબાઇલ કબ્જે કર્યો હતો.
સોશ્યલ મિડીયા પર શેર ટ્રેડીંગ કે ઇન્વેસ્ટમેન્ટની લોભામણી જાહેરાતથી સાવચેત રહી સેબી દ્વારા માન્યતા ધરાવનારનો સંપર્ક કરવો અને સતર્ક રહેવું તેમ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.