BREAKING NEWS

જામનગરના શીપીંગ માંધાતા જીતુલાલની શ્રીજી કંપની સાથે ૨૦.૫૬ કરોડની છેતરપીંડી

  • June 24, 2026 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના શીપીંગ માંધાતા જીતુલાલની શ્રીજી કંપની સાથે ૨૦.૫૬ કરોડની છેતરપીંડી

ગાંધીધામના ચંદનકુમાર મહેશ્ર્વરી વિરુઘ્ધ ગુનો નોંધાયો : સર્વિસ અને લીધેલી લોનના નાણાં ચુકવવામાં ઠાગાઠૈયા : મામલો પોલીસમાં પહોચ્યો : ભારે ચકચાર : પોલીસ તપાસનો ધમધમાટ

જામનગરની જાણીતી શ્રીજી શીપીંગ કંપની સાથે કુલ ૨૦.૫૬ કરોડ જેવી માતબર રકમની છેતરપીંડી આચરવામાં આવી હોવાનો મામલો પોલીસમાં પહોચ્યો છે, બાર્ઝ, ટગ અને અન્ય સર્વિસ લઇને તેમજ લીધેલી લોનના વ્યાજ સહિતના નાણાં મળી કરોડોની રકમ નહીં ચુકવી વિશ્ર્વાસઘાત કર્યાનું સામે આવતા ગાંધીધામના મહેશ્ર્વરી હેન્ડલીંગ એજન્સી પ્રા.લી.ના ડાયરેકટર વિરુઘ્ધ અહીંના સીટી-બી ડીવીઝનમાં ફરીયાદ દાખલ કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે, ફરીયાદ અનુસંધાને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે.

જામનગરના જાણીતા વેપારી અહીંની સ્વસ્તીક સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર હરીદાસ લાલ દ્વારા ગઇકાલે સીટી-બી ડીવીઝનમાં ગાંધીધામ પ્લોટ નં. ૬૪૦, ૧૨/સી, લીલાશાહ સર્કલ ખાતે રહેતા મહેશ્ર્વરી હેન્ડલીંગ એજન્સી પ્રા.લી.ના ડાયરેકટર ચંદનકુમાર છગનલાલ મહેશ્ર્વરીની વિરુઘ્ધ બીએનએસ કલમ ૩૧૬(૨) મુજબ ફરીયાદ નોંધાવવામાં આવી છે. 

સને ૨૦૧૯ થી ફરીયાદીની ટાઉનહોલ પાસે આવેલ શ્રીજી હાઉસ ખાતેની શ્રીજી શીપીંગ કંપની દ્વારા આરોપીને આપવામાં આવેલ સર્વિસ જેવી કે બાર્ઝ, ટગ ભાડે આપવાની તેમજ અન્ય સ્ટીવડોરીંગ સર્વિસ લીધેલ જેના ચાર્જ પેટે ચુકવવાના નાણાં રૂ. ૨.૫૬.૭૨.૪૪૦ તથા સિઘ્ધી મરીન સર્વિસીઝ એલએલપીની સર્વિસ લીધેલ જેના ચાર્જ પેટે ચુકવવાના થતા રૂ​​​​​​​. ૧૩.૭૩.૧૭.૬૮૭ ચુકવેલ નથી.

તેમજ ફરીયાદીની નરોતમકા કોમોડીજીસ પ્રા.લી. માંથી લીધેલ લોનના વ્યાજ સહિત રૂ​​​​​​​. ૪.૨૬.૯૫.૨૫૭ મળી કુલ ૨૦.૫૬.૮૫.૩૮૪ જેવી રકમ નહીં ચુકવી ફરીયાદીની કંપની સાથે ગુનાહીત વિશ્ર્વાસઘાત કરવામાં આવ્યો હતો. ગાંધીધામના ચંદનકુમાર વિરુઘ્ધ સીટી-બી ડીવીઝનમાં આ વિગતોના આધારે ફરીયાદ દાખલ કરવામાં આવતા સીટી-બી પીઆઇ ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.જી. રાજ તપાસ ચલાવી રહયા છે. 

આ અંગેની વધુમાં મળેલી વિગતો મુજબ ફરીયાદીની ત્રણેય પેઢી કંપનીની રજીસ્ટર ઓફીસ અલગ અલગ સ્થળે આવેલ છે પરંતુ ત્રણેય પેઢીઓનો વહિવટ ટાઉનહોલ પાસે આવેલ શ્રીજી હાઉસ ખાતેથી કરવામાં આવે છે. શીપીંગ તેમજ ફાઇનાન્સનું કામ કરતા હોય જે કારણે ગાંધીધામ ખાતે ઓફીસ ધરાવતી મહેશ્ર્વરી હેન્ડલીંગ એજન્સી પ્રા.લી.ના ડાયરેકટર સાથે સંપર્ક થયો હતો, આ કંપનીમાં પહેલા ૩ ડાયરેકટર હતા જેમાથી બે સમયાંતરે મરણગયેલ છે અને હાલ ડાયરેકટર તરીકે ચંદનકુમાર મહેશ્ર્વરી છે.

મહેશ્ર્વરી કંપની દ્વારા ફરીયાદીની શ્રીજી શીપીંગ કંપની પાસેથી સ્ટીવડોરીંગની સર્વિસ લીધેલ જેના ૨૦૧૯થી ૨૦૨૬ સુધીના અલગ અલગ ૧૨૫ બીલ પેટેની રકમ પૈકી થોડી રકમ તેમને ચુકવેલ જયારે ૨.૫૬ કરોડથી વધુની રકમ લેવાની બાકી નીકળે છે જેની અલગ અલગ સમયે ઉઘરાણી કરવા છતા ચુકવેલ નથી આ ઉપરાંત અન્ય સર્વિસના ૪૬ બીલ પેટેની રકમ પૈકી થોડી રકમ ચુકવેલ અને બાકીની ઉઘરાણી કરવા છતા કંપનીને રકમ ચુકવતા નથી આમ ગાંધીધામના શખ્સ દ્વારા કરોડોની રકમનો વિશ્ર્વાસઘાત કરવામાં આવતા આખરે મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો હતો અને ફરીયાદ અનુસંધાને તપાસ ચલાવવામાં આવી રહી છે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application