BREAKING NEWS

પ્રેગાબાલિન દવાના હેરફેર કૌભાંડનો પર્દાફાશ કરતી દ્વારકા એસઓજી

  • June 24, 2026 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રેગાબાલિન દવાના હેરફેર કૌભાંડનો પર્દાફાશ કરતી દ્વારકા એસઓજી

ખોટા દસ્તાવેજોના આધારે દરીયાઇ માર્ગે વિદેશ મોકલવાનું કાવતરૂ : ૮ શખ્સો સામે ગુનો નોંધાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કરોડો રૂપિયાની પ્રેગાબાલિન દવાના ગેરકાયદે નિકાસ કૌભાંડનો પર્દાફાશ થતાં ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં આઠ આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની તપાસમાં ખુલાસો થયો છે કે ભારત સરકાર દ્વારા પ્રેગાબાલિન દવાને નિયંત્રણ હેઠળ લાવવાના પ્રયાસો વચ્ચે કરોડો રૂપિયાનો જથ્થો દરિયાઈ માર્ગે યમન મોકલવાનું કાવતરું રચાયું હતું.

૧૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામની સીમમાં રોજી માતાજીના મંદિર નજીકના વિસ્તારમાં આ સમગ્ર ગેરરીતિનો પર્દાફાશ થયો હતો. જોકે, તપાસ પૂર્ણ થયા બાદ ૨૩ જૂન ૨૦૨૬ના રોજ સત્તાવાર રીતે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ એસઓજી દેવભૂમિ દ્વારકાના પોલીસ હેડ કોન્સ્ટેબલ હરદીપસિંહ હેમંતસિંહ જાડેજાએ નોંધાવી છે.

પોલીસ ફરિયાદ અનુસાર આરોપીઓએ મળીને ગુનાહિત કાવતરું રચી પ્રેગાબાલિન ૪૫૦ એમજી, ૩૦૦ એમજી અને ૧૫૦ એમજી ડોઝની દવાઓ અલગ-અલગ કંપનીઓ પાસેથી મેળવી હતી. ત્યારબાદ વી-પ્રોટેક્ટ નામે ખરીદી અને જામખંભાળિયાના રાજદેવસિંહ ભોજુભા સોઢાના નામે શિપમેન્ટ દર્શાવતું ખોટું બિલ તૈયાર કરવામાં આવ્યું હતું.

તપાસમાં સામે આવ્યું છે કે બિલમાં માત્ર ૮૦ બોક્સ દર્શાવવામાં આવ્યા હતા, જ્યારે હકીકતમાં ૧૧૬ બોક્સ અને પાંચ કાપડના પાર્સલમાં દવાનો જથ્થો પેક કરવામાં આવ્યો હતો. વધુમાં બિલ મુજબ ૬ લાખ કેપ્સ્યુલ દર્શાવવામાં આવ્યા હતા, જ્યારે વાસ્તવિક જથ્થો ૯.૫૦ લાખથી વધુ કેપ્સ્યુલનો હતો. આ વધારાના જથ્થાની અંદાજિત કિંમત રૂ. ૮૦.૭૭ લાખ હોવાનું નોંધાયું છે.
આ કેસમાં મુંબઈના અબ્દુલમોઈન શેખ, દુબઈ સ્થિત ઈકબાલ કરીમ ભાયા, યમનના હારીત, પુણાના વેપારી મહંમદ અઝરૂદિન મોમિન તેમજ જામખંભાળિયાના રાજદેવસિંહ સોઢા સહિત અનેક વ્યક્તિઓના નામ સામે આવ્યા છે. ઉપરાંત ખોટું બિલ તૈયાર કરનાર અને વધારાના બોક્સ પેક કરનાર અજાણ્યા શખ્સોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.

પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬, ૩૧૮, ૩૩૬, ૩૩૮, ૬૧ તેમજ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટની કલમ ૧૮, ૨૭ અને નિયમ ૯૭ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ તમામ આરોપીઓ ફરાર હોવાનું અને તેમની અટકાયત બાકી હોવાનું જાણવા મળે છે.

જથ્થાને ખોટી વિગતો સાથે વિદેશ મોકલવાનો પ્રયાસ માત્ર આર્થિક ગુનો જ નહીં, પરંતુ જાહેર આરોગ્ય અને દવા નિયંત્રણ વ્યવસ્થાને પડકારતી ગંભીર ગેરરીતિ પણ છે. અને પોલીસની આગળની તપાસમાં આ કૌભાંડના આંતરરાષ્ટ્રીય નેટવર્ક અને તેમાં સંકળાયેલા અન્ય લોકોના નામ બહાર આવે તેવી શક્યતા છે. ભારતમાં પ્રેગાબાલિન પ્રતિબંધિત નથી. જોકે, તેના દુરુપયોગના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ૨૦૨૬માં તેને વધુ કડક નિયંત્રણ હેઠળ લાવી જભવયમીહય ઇં૧માં સામેલ કરી છે. હવે આ દવા માત્ર માન્ય ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન પર જ વેચી શકાય છે અને મેડિકલ સ્ટોર્સે વેચાણનો રેકોર્ડ રાખવો ફરજિયાત છે. દુરુપયોગના કેસોમાં કેટલાક લોકો આ દવાનો ઉપયોગ નશા જેવી અસર માટે કરતા હોવાનું વિવિધ રાજ્યોમાંથી સામે આવ્યું હતું. આ કારણસર તેના વેચાણ અને વિતરણ પર કડક નિયંત્રણ લાદવામાં આવ્યું છે. જો અહીં પ્રેગાબાલિનની મોટી માત્રા ગેરકાયદે રીતે વિદેશ (યમન) મોકલવા માટે ખોટાં બિલ અને દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે કેસનો મુદ્દો દવા પ્રતિબંધિત હોવાનો નથી, પરંતુ દવાના ગેરકાયદે વેપાર, ખોટાં બિલ, નિયમોના ભંગ અને સંભવિત દુરુપયોગ સાથે સંબંધિત છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application