BREAKING NEWS

પોલીસ પણ ચોંકી ઉઠી...લસણની આડમાં 1 કરોડનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો, દમણથી જૂનાગઢ ટ્રક પહોંચવાનો હતો પણ...

  • November 16, 2025 05:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં દારૂ ઘૂસાડવા માટે બૂટલેગરો અવનવા નુસખા અપનાવતા હોય છે. હવે લસણની બોરીની આડમાં એક કરોડનો દારૂ ઝડપાયો છે. દારૂ ભરેલો આખો ટ્રક જૂનાગઢ પહોંચે એ પહેલા પોલીસે તેને નવસારીમાં જ ઝડપી પાડ્યો છે. સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આટલી મોટી માત્રામાં દારુ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. LCB કચેરી દારૂના બોક્સથી છલકાઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ, એક ટ્રકમાં લસણની આડમાં દમણથી દારુ ભરી જૂનાગઢ દારુ લઈ જવાતો હતો. જોકે, આ દારૂનો જથ્થો જૂનાગઢ પહોંચે તે પહેલા જ નવસારી નેશનલ હાઈવે પરથી LCBની ટીમે રૂ. 1,01,88,720 ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારુ સાથે એક શખસને ઝડપી પાડ્યો છે.


પોલીસે ટ્રકને રોકી તલાસી લેતાં ચોંકી ઉઠી

LCB, નવસારીના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ પ્રોહીબીશનની ગેરકાયદેસર હેરાફેરી રોકવા માટે ખાનગી બાતમીદારોને સક્રિય કરીને વોચમાં હતો. તા. 15 નવેમ્બરના રોજ, PI વી.જે. જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ને.હા. નં-48 પર, ખારેલ ઓવર બ્રીજના ઉત્તરે તુલસી હોટલ સામે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. દમણથી જૂનાગઢ જતી એક ટ્રકને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી. ટ્રકમાં આગળના ભાગે લસણની બોરી મૂકી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો.


કુલ 27,252 નંગ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

પોલીસે ચોકસાઈપૂર્વક તપાસ કરતા ટ્રકમાંથી વ્હીસ્કી, વોડકા, રમ અને ટીન બિયર સહિત કુલ 27,252 નંગ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો, જેની કિંમત રૂ.1,01,88,720 આંકવામાં આવી છે. આ ઉપરાંત રૂ. 10,00,000ની કિંમતની ટ્રક અને રૂ. 10,000ની કિંમતનો એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ. 1,11,98,720 થાય છે.​​​​​​​


દારૂ મંગાવનાર અને દારૂ ભરાવનાર વોન્ટેડ જાહેર

આ દારૂની હેરાફેરીના ગુનામાં એક આરોપીને સ્થળ પરથી પકડી પાડવામાં આવ્યો છે. દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર સહિત અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. પકડાયેલ અને વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ ગણદેવી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની વધુ તપાસ LCB PI વી.જે. જાડેજા દ્વારા કરવામાં આવી રહી છે.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application