ધ્રોલના સોયલ ટોલનકા પાસે સ્વીફટ કારમાં દારૂની હેરાફેરી કરતા જામનગરના બે શખ્સોને દબોચી લીધા હતા, જયારે ધ્રોલના જોડીયા રોડ, ગાંધી ચોક પાસે એક કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એકની અટકાયત કરાઇ હતી, પોલીસે કુલ ૬૭૨ બોટલ અને બે ગાડી તથા મોબાઇલ મળી કુલ ૧૩.૬૪ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે, બંને દરોડામાં દારૂ મંગાવનાર જામનગરના શખ્સનું નામ ખુલ્યુ છે.
જામનગર એલસીબીની ટુકડી દારૂ-જુગારના કેશો શોધી કાઢવા પેટ્રોલીંગમાં હોય દરમ્યાન બાતમીના આધારે ધ્રોલના સોયલ ટોલનાકા પાસે સ્વીફટ કારને આંતરી તલાશી લેતા તેમાથી વિદેશી દારૂની ૩૪૮ બોટલ મળી આવી હતી, કારમાં શરાબની હેરાફેરી કરતા જામનગર સ્વામીનારાયણ સોસાયટી શેરી નં. ૬માં રહેતા અશોક પ્રતાપ પરમાર અને નાગેશ્ર્વર કોલોનીમાં રહેતા દિપક દેવજી શિયાળ બંનેને દબોચી લીધા હતા, તપાસ કરતા દારૂ મંગાવનાર સદામ ઉર્ફે મુન્નોનું નામ ખુલ્યુ હતું.
એલસીબીની ટુકડીએ શરાબની ૩૪૮ બોટલ, સ્વીફટ કાર તથા બે મોબાઇલ મળી કુલ ૬.૯૭,૮૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો, અને આ મામલે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ધ્રોલ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મળેલ બાતમી આધારે ધ્રોલ-જોડીયા રોડ, ગાંધીચોક પાસે સ્વીફટ ગાડી નં. જીજે૨૭-એએ-૬૬૭૭ના ચાલકને આંતરી તલાશી લેતા તેમાથી વિદેશી દારૂની ૩૨૪ બોટલ મળી આવી હતી આથી જામનગરના હાપા શિવશકિત સોસાયટીમાં રહેતા સુનિલ જયસુખ મકવાણાને પકડી લીધો હતો, પોલીસે કાર, દારૂ અને મોબાઇલ મળી કુલ ૬.૬૬.૪૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.
પકડાયેલ શખ્સની પુછપરછ કરતા દારૂનો જથ્થો મંગાવનાર જામનગરના સદામ ઉર્ફે મુન્નો બોદુ સફીયાનું નામ ખુલ્યુ હતું જેને ફરાર જાહેર કરી તપાસ કરવામાં આવી રહી છે. આમ બે દરોડામાં કુલ ૬૭૨ બોટલ મળી ૧૩.૬૪ લાખનો મુદામાલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો.