BREAKING NEWS

કાલે મ્યુનિ.જનરલ બોર્ડ:ભાજપ-કોંગ્રેસ ટકરાશે

  • January 19, 2026 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે તા.૨૦ જાન્યુઆરીના રોજ સવારે ૧૧ કલાકે મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડ મિટિંગ મળનાર છે જેના એજન્ડામાં નામકરણની આઠ સહિત કુલ ૧૨ દરખાસ્તો રજૂ કરાઇ છે. પ્રશ્નકાળમાં પ્રથમ ક્રમે ભાજપના કોર્પોરેટર દક્ષાબેન વસાણીએ પૂછેલા પ્રશ્ન સરકારે અમૃત અને સ્વર્ણિમ યોજના હેઠળ કેટલી ગ્રાન્ટ આપી તે ચર્ચાશે, ત્યાં જ બોર્ડની કાર્યવાહી પૂર્ણ થશે ! વિપક્ષ કોંગ્રેસના પ્રશ્નો પાછલા ક્રમે હોય ચર્ચામાં નહીં આવે તે નક્કી છે. રાજકોટ મહાનગરપાલિકાની ચાલુ ટર્મ ૨૦૨૧-૨૦૨૬ના સંભવત: અંતિમ એવી આવતીકાલની જનરલ બોર્ડ મિટિંગમાં ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરો આમનેસામને થશે અને બેફામ રાજકીય આક્ષેપબાજી કરશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

જનરલ બોર્ડ મિટિંગના એજન્ડામાં સમાવિષ્ટ દરખાસ્તોમાં (૧) વોર્ડ નં.૧૨માં મવડીમાં નવનિર્મિત ઇન્ડોર ગેમ્સ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ભારત રત્ન તેમજ ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નામકરણ કરવા (૨) વોર્ડ નં.૩માં રેલનગર વિસ્તારમાં સાધુવાસવાણી કુંજ રોડ, શિવાલય ચોક પાસે આવેલ ગાર્ડનને શહિદ હેમુ કાલાણી ગાર્ડન નામકરણ કરવા (૩) વોર્ડ.નં.૧૦માં યુનિવર્સિટી રોડ શિવશક્તિ કોલોની સામે આવેલ ગાર્ડનને વિર શહિદ હમીરસિંહજી ગોહિલ ગાર્ડન નામકરણ કરવા (૪) રાજકોટ રેલ્વે જંકશન સામે રસ્તા પૈકીની જમીન ઉપરથી દૂર કરાવેલ દુકાનોના માલિકોને વૈકલ્પિક જમીન ફાળવવા (૫) વોર્ડ નં.૧૨માં વેસ્ટઝોન પેકેજ હેઠળ તૈયાર થયેલ આવાસ યોજના( મનસુખભાઈ છાપીયા ટાઉનશીપ)ના શોપીંગ સેન્ટરની દુકાનો જાહેર હરરાજીથી વેચાણ આપી દસ્તાવેજ કરી આપવા (૬) રાજકોટ મહાનગરપાલિકા માટે રૂ.૨૦૦ કરોડ સુધીની લોન અથવા ઓવર ડ્રાફ્ટ, લાઈન ઓફ ક્રેડીટ કે અન્ય ફેસીલીટીથી નાણા લેવા અંગે મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપવા (૭) રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ફરજ બજાવતા સફાઈ કામદારને તેની નોકરી દરમ્યાન સફાઈ કામગીરીના કારણે કોઈ રોગના ભોગ બને અને કાયમી અશક્ત જાહેર થાય અથવા સફાઈ કામદારનું નોકરી દરમ્યાન અવસાન થાય અથવા સફાઈ કામદાર લાપતા હોય તેવા સંજોગોમાં તેના કોઈ એક વારસદારને રહેમરાહે નોકરી આપવા અંગેના નિયમોમાં સુધારો કરવા (૮) વોર્ડ.નં.૧૦માં આવેલ એસ.એન.કે. સ્કુલ પાસેના ચોકથી આગળના જે.કે.ચોકથી જુના યુનિવર્સિટી રોડ, (નીલ સિટી કલબ બાજુના માર્ગ)ને ઉમીયાજી માર્ગ નામકરણ કરવા (૯) વોર્ડ.નં.૫માં આવેલ રણછોડનગર શેરી નં.૧૦ને સ્વાતંત્ર્ય સેનાની મનુભાઇ વિઠ્ઠલાણી માર્ગ નામકરણ કરવા(૧૦) વોર્ડ.નં.૪માં આવેલ લાલપરી મેલડી માતાજી પાસે તેમજ ખોડલ ધામ રેસીડેન્સી તથા ગ્રીન સિટી સોસાયટી મેઇન રોડ પાસે આવેલ ચોકને સરદાર પટેલ ચોક નામકરણ કરવા (૧૧) વોર્ડ નં.૧૬માં કોઠારીયા રોડ પર આવેલ હુડકો ફાયર સ્ટેશનવાળા ચોકને જયંતભાઈ ઠાકર ચોક નામકરણ કરવા (૧૨) વોર્ડ નં.૧૩માં ગોંડલ રોડ પર આવેલ લેઉવા પટેલ કન્યા છાત્રાલય મેઇન ગેઇટ સામેના રોડ, ખોડીયાર નગર શાક માર્કેટ સુધીના માર્ગને આઈશ્રી સોનલમાં માર્ગ નામકરણ કરવા સહિતની દરખાસ્તો એજન્ડામાં સમાવિષ્ટ કરાઈ છે.



કોર્પોરેટરોનો આઇક્યુ માપો, આવા પ્રશ્નો પુછ્યા

૧.દક્ષાબેન વસાણી: અમૃત મિશન અને સ્વર્ણિમ યોજના હેઠળ કેટલી ગ્રાન્ટ મળી, તેમાંથી કેટલા વિકાસકામો થયા ?


૨.રૂચિતાબેન જોષી: ચાલુ વર્ષમાં હાલ સુધીમાં વોર્ડવાઇઝ કેટલા ડામર રોડ બન્યા, હજુ કેટલા બનશે, તેમાં કેટલા નવા અને કેટલા રિકાર્પેટ ?


૩.કંકુબેન ઉઘરેજા: વોર્ડવાઇઝ ટીપી સ્કિમોના ખુલા પ્લોટ્સ કેટલા, વોર્ડવાઇઝ કેટલી આંગણવાડી તેમાં બાળકોને નાસ્તામાં શું અપાય છે ?


૪.વિનુભાઈ સોરઠિયા: કેન્દ્ર અને રાજ્ય તરફથી આરોગ્યલક્ષી કામગીરી માટે કેટલી ગ્રાન્ટ મળી, તેમાંથી કયા કામો થયા, ફાયર બ્રિગેડ પાસે ક્યા ક્યા પ્રકારના કેટલા વાહનો, તેનો ક્યારે ઉપયોગ થાય છે ?


૫.દક્ષાબેન વાઘેલા: વોર્ડ વાઇઝ એસ્ટેટ બ્રાન્ચ હસ્તકની મિલકતો કેટલી, તેનો શું ઉપયોગ થાય છે, મનપા હસ્તક કુલ કેટલી લાઇબ્રેરી, સભ્ય બનવાની પ્રકિયા શું, કેટલા અને કેવા પુસ્તકો ઉપલબ્ધ ?


૬.વશરામ સાગઠિયા: ફ્લાવર બેડ સાથેના કેટલા બિલ્ડિંગને બીયુપી આપ્યા, તેની કેટલી આવક થઇ. છેલ્લા પાંચ વર્ષમાં મનપાએ કેટલા કાર્યક્રમો યોજ્યા, તેમાં કુલ કેટલો ખર્ચ થયો ?


૭.ડૉ.રાજેશ્રી ડોડીયા: રાજકોટમાં ઘરે ઘરેથી કચરો એકત્રિત કરવાની પ્રક્રિયા શું છે, કેટલા ટિપરવાન છે, રોજ કેટલા ઘરો અને દુકાનોમાંથી કચરો ઉપાડે છે, આધાર કેન્દ્રોની સંખ્યા કેટલી તેમાં અરજીઓની સંખ્યા કેટલી ?


૮.વર્ષાબેન પાંધી: પાંચ વર્ષમાં પ્રોજેક્ટ શાખાએ કેટલી યોજનાઓ અમલી કરી તેની યોજના વાઇઝ માહિતી, રાજકોટ મનપાના સ્પોર્ટ્સ સંકુલ કેટલા, ત્યાં કઇ રમતની સુવિધા, ફી કેટલી ?


૯.ડૉ.દર્શનાબેન પંડયા: એસ્ટેટ વિભાગે કેટલી મિલકતો ભાડે આપી છે, તેની આવક કેટલી. શાક માર્કેટ કેટલી, તેમાં થડા કેટલા, તેની આવક કેટલી ?


૧૦.વિનુભાઈ ઘવા: વોર્ડવાઇઝ કેટલા વિસ્તારોમાં સફાઈ થાય છે, કેટલા વિસ્તારોમાં નિયમિત સફાઈ થતી નથી, સફાઇ કામદારોની સંખ્યા કેટલી. રાજકોટમાં ગાર્ડન કેટલા, તેની જાળવણી કઇ રીતે કરાય છે ?


૧૧.મિતલબેન લાઠીયા: રાજકોટ મનપાના કેટલા બિલ્ડિંગ ઉપર સોલર રૂફ ટોપ લગાવ્યા છે, તેનાથી કેટલો વીજ ખર્ચ બચ્યો, આરોગ્ય કેન્દ્રો કેટલા, તેમાં શું સુવિધા, ચાલુ વર્ષમાં કેટલા દર્દી આવ્યા ?


૧૨.કોમલબેન ભારાઈ: વોર્ડ નં.૧૫ની શાળા નં.૯૯ વર્ષ-૨૦૦૮થી ભાડાના બિલ્ડિંગમાં કાર્યરત છે, તેના માટે જવાબદાર કોણ ? તેનું નવું બિલ્ડીંગ ક્યારે બનશે ? ટીપી બ્રાન્ચે સીલ કરેલી મિલકતનું સીલ ખોલી ગેરકાયદે બાંધકામ થાય તો કોની જવાબદારી ? શહેરમાં પ્રદૂષણ નિયંત્રણ માટે મનપાએ શું પગલા લીધા ?


૧૩.ડૉ.પ્રદિપ ડવ: રાજકોટમાં અમૃત અને સ્વર્ણિમ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારે કેટલી ગ્રાન્ટ ફાળવી, તેમાંથી કયા વિકાસકામો થયા. રાજકોટમાં ચાલુ વર્ષમાં કેટલા આયુષ્યમાન કાર્ડ ઇસ્યૂ કર્યા ?


૧૪.મકબૂલ દાઉદાણી: રાજકોટ મનપાના વોર્ડ નં.૧૮માં ઇજનેર ઉપર કોન્ટ્રાક્ટરે કરેલા હુમલાની ઘટનામાં કોન્ટ્રાક્ટર એજન્સી બ્લેક લિસ્ટ કેમ કરાતી નથી ? રોગચાળો કાબુમા લેવા શું કર્યું ? ટ્રાફિક સમસ્યા ઉકેલવા શું આયોજન છે ?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application