જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં એક વાહન ચોરને પકડી પાડ્યો છે. જેની પૂછપરછના આધારે ત્રણ વાહન ચોરીનો ભેદ ઉકેલાયો છે, અને પોલીસે ત્રણ બાઈક કબજે કર્યા છે.
જામનગર શહેરના બેડી વિસ્તારમાંથી તેમજ જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી તાજેતરમાં અલગ અલગ ત્રણ મોટરસાયકલની ચોરી થઇ ગયાની ફરિયાદ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથક તેમજ બેડી મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.
જે ફરિયાદના અનુસંધાને જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ લગારીયા, પીએસઆઇ ભાટીયા, પીએસઆઇ કાંટેલીયાની સુચનાથી ટીમ વાહન ચોરને શોધી કાઢવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી.
દરમિયાન એલસીબીના યુવરાજસિંહ, મયુરસિંહ તથા રૂષીરાજસિંહને મળેલી બાતમીના આધારે જામનગરના બેડી વિસ્તારમાં રહેતા આમિદ રજા ઉર્ફે આમિદ રીંગણો જાકુભાઈ ખોડ નામના શખ્સની અટકાયત કરી લીધી છે, અને તેની પાસેથી ત્રણ નંગ ચોરાઉ મોટરસાયકલ કબજે કરી લીધા છે. જે ઉપરોક્ત ત્રણેય સ્થળેથી મોટરસાયકલની ચોરી કરી હોવાની કબુલાત કરી છે. પોલીસે પંચ-બીના બે અને બેડી મરીનનો એક ગુનો શોધી કાઢયો છે.