BREAKING NEWS

પોલીસની ઓળખ આપી પરપ્રાંતીય આધેડ પાસેથી રૂ.૩૦ હજાર પડાવ્યા

  • March 02, 2026 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરમાં વધુ એક વખત નકલી પોલીસ બની પૈસા પડાવી લેવાનો કિસ્સો સામે આવ્યો છે. નામચીન શખસ સંદીપ ઉર્ફે ગાંડો સહિત બે શખસોએ મળી એસ્ટ્રોન ચોક પાસે પરપ્રાંતીય આધેડને રોકી અમે પોલીસમાં છીએ કહી તેમને અલગ અલગ વિસ્તારમાં લઇ રૂ.૩૦ હજાર પડાવી લીધા હતાં. જે અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી સંદીપને ઝડપી લીધો હતો. જયારે તેના સાથીદારને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગતો મુજબ, જામનગર રોડ પર આવેલ પરા પીપળીયા ગામે આવેલ એકતા સોસાયટીમાં શેરી નં.૫ માં રહેતાં જનાર્ધનભાઈ રામનરેશભાઈ સહાની (ઉ.વ.૪૭) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સંદીપ નામનો શખસ અને એક અજાણ્યા શખસનું નામ આપ્યું છે.રીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ છુટક કલરકામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે.


ગઇ તા.૨૫ ના બપોરના અઢી વાગ્યાની આસપાસ તેઓ પોતાનું બાઈક લઈ વીરાણી ચોક પાસે આવેલ તેમના કામનુ સ્થળ વનદ્વારકા બિલ્ડિંગ ઘરે જમવા માટે જતો હતો, ત્યારે ટાગોર રોડ એસ્ટ્રોન ચોક પાસે આવેલ વીરમણી સ્વીટ્સની દુકાન પાસે પોણા ત્રણેક વાગ્યાની આસપાસ રોડ ઉપર પહોંચેલ ત્યારે ફાકી ખાવા માટે બાઈક ઉભુ રાખ્યુ હતું. ત્યારે પાછળથી કોઈ અજાણ્યા બે શખ્સો એક એક્ટીવામાં ઘસી આવી ફરીયાદી પાસે આવેલ અને કહેવા લાગેલ કે, અમે બન્ને પોલીસ છીએ, તું પોલીસ સ્ટેશન ચાલ, જેથી તેઓએ અજાણ્યા બે માણસોને કહ્યું કે, મારો વાંક શું છે? તેમ કહેતા તેમાથી એક શખ્સે તેઓનો મોબાઇલ ફોન અને બાઇકની ચાવી કાઢી લઈ તેઓના બાઈકમાં જ પાછળ બેસાડીને તથા બીજો અજાણ્યો શખ્સ તેના એક્ટીવા લઇને ભક્તિનગર સ્ટેશન પ્લોટ શેરી નં-૯ ખાતે લઇ ગયેલ અને ત્યાં શેરીમાં બાઈક ઉભુ રાખી કહેવા લાગેલ કે તારા બેન્ક એકાઉન્ટમાથી મારા ખાતામાં ઓનલાઇન પૈસા ટ્રાન્ફર કરી આપ તો જ તને તારા ઘરે જવા દઈશ.


જેથી બંને અજાણ્યા શખ્સોને કહેલ કે, મને ઓનલાઇન પૈસા નાખતા નથી આવડતુ, તો તે બન્ને શખ્સોએ કહેલ કે, તો ચાલ પોલીસ સ્ટેશન એમ કહીને ત્યાંથી પંચવટી સોસાયટી તરફ ફરીયાદીને તેમના જ બાઈકમાં બેસાડીને લઈ ગયેલ અને રસ્તામાં ફોન આપીને કહેલ કે, તારા ઓળખીતાને ફોન કર અને તેની પાસેથી રોકડા રૂ.૩૦ હજારની વ્યવસ્થા કરી આપ અને તારા ઘરે ઇમરજન્સી પૈસાની જરૂર હોય જેથી રૂપિયા જોઇએ છે તેવુ કહેવા જણાવેલ હતું.


જેથી તેઓએ ઓળખીતા અંબારામભાઈને ફોન કરીને ૩૦ હજાર રૂપિયા ઉછીના માંગેલ તો તેણે હા પાડેલ અને તેમની રાજનગર ચોક પાસે આવેલ પટેલ પેઈન્ટ્સ નામની કલરની દુકાને બોલાવેલ જેથી આ બન્ને શખ્સોને કહેલ કે પૈસા લેવા માટે રાજનગર ચોક પાસે ઓળખીતા અંબારામભાઈની કલરની દુકાને જવુ પડશે, જેથી તેઓ બન્ને સાથે રાજનગર ચોક ખાતે આવેલ અને દુર ચોકમા ઉભા રહી તેઓને ઓળખીતાની દુકાનેથી પૈસા લેવા માટે મોકલેલ હતાં. ફરીયાદી ઓળખીતાની દુકાને જઇને તેની પાસેથી રૂ.૩૦ હજાર ઉછીના લઇને આ અજાણ્યા શખ્સો પાસે જઈને તેમને આપેલ હતાં. ત્યારે એક શખ્સે બીજાને કહેલ કે, લે સંદિપ આ રૂપિયા, જેથી તે બે અજાણ્યા માણસોમાથી એકનું નામ સંદિપ હોવાનુ જાણવા મળેલ હતું. બાદમાં આ અંગે આધેડે ફરિયાદ નોંધાવી હતી.


બનાવને લઇ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ બી.વી.બોરીસાગરની રાહબરી હેઠળ પીએસઆઇ એસ.એમ.રાણા તથા ટીમે તપાસ હાથ ધરી હતી.દરમિયાન હેડ કોન્સ. કનુભાઇ બસીયા, સાગરભાઇ માવદીયા અન ધર્મેશભાઇ ખાંડેખાને મળેલી બાતમીના આધારે પોલીસે આરોપી સંદિપ કિશોરભાઇ રામાવાત(ઉ.વ. ૨૬ રહે. દૂધ સાગર રોડ ગુ.હા.બોર્ડ આવાસ કવાર્ટર બ્લોક-૧૦૬) ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ.૩૦ હજાર રોકડ અને એકટિવા નં.જીજે ૦૩ એમએ ૪૩૯૮ કિ.રૂ. ૫૦ હજાર મળી કુલ રૂ.૮૦ હજારનો મુદામાલ કબજે કર્યો હતો.


આ શખસની પુછતાછ કરતા તે અગાઉ પોલીસની ઓળખ આપી ગુના પૈસા પડાવવાના એકથી વધુ ગુનામાં સંડોવાયેલા કુખ્યાત મીહિર કુંગશીયાનો સાથીદાર હોવાનુ માલુમ પડયુ હતું. સંદીપ પણ અગાઉ મીહિર સાથે આ પ્રકારના ગુનામાં પકડાઇ ચૂકયો છે. જયારે ગુનામાં તેની સાથે રહેલા શખસનું નામ અલ્તાફ મેમણ હોવાનું માલુમ પડયું હતું.જેને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઇ બી.વી.બોરીસાગર, પીએસઆઇ એસ.એમ.રાણા તથા એએસઆઇ બી.વી.ગોહિલ, એમ.એસ.મકવાણા, હેડ કોન્સ. કનુભાઇ બસીયા, કલ્પેશ બોરીચા, સાગરભાઇ માવદીયા, મહેશભાઇ ચાવડા, કરણભાઇ વિરસોડીયા, કોન્સ. ધર્મેશભાઇ ખાંડેખા અને તેજસભાઇ ડેર સાથે રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application