BREAKING NEWS

ગોંડલમાં ભારે પવન સાથે બે કલાકમાં અઢી ઈંચ ધોધમાર વરસાદથી હાલાકી

  • June 24, 2026 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અસહ્ય ઉકળાટ અને બફારા બાદ, બપોર પછી અચાનક જ પવનના સુસવાટા સાથે મેઘરાજાની તોફાની એન્ટ્રી થઈ હતી. પરંતુ, આ તોફાની એન્ટ્રીની સાથે જ ગોંડલ નગરપાલિકાની પ્રિ–મોન્સૂન કામગીરીના લીરેલીરા ઊડી ગયા છે. માત્ર બે કલાકમાં પડેલા અઢી ઈંચ વરસાદે આખા શહેરને પાણી–પાણી કરી દીધું છે.
ઉમવાળા અંડરબ્રિજ નીચે ગોઝારા દ્રશ્યો સર્જાયા હતા. અહીં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે જૂનાગઢ–દાહોદ ટની એસ.ટી. બસ પાણીની વચ્ચે ફસાઈ ગઈ હતી. આ બસમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત આશરે ૩૦ થી ૩૫ જેટલા મુસાફરો સવાર હતા, જેમના જીવ અધ્ધર થઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં જ નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ દીપકભાઈ ગોવાણી, કારોબારી ચેરમેન રાજભા જાડેજા અને સલીમભાઈ ચૌહાણ સહિતના આગેવાનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.
નગરપાલિકાના ફાયર ફાઇટરોની ટીમ અને જે.સી.બી મશીનની મદદથી ભારે જહેમત બાદ એસ.ટી. બસને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. રાહતની વાત એ છે કે બસમાં સવાર તમામ મુસાફરોને સમયસર અને સલામત રીતે બહાર કાઢી લેવાયા છે.
ખોડિયાર નગર રેલ્વે અન્ડરબ્રિજના નાલામાં પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે બધં થયો હતો. જેતપુર રોડ પર મોહન પાર્કમાં પાણી ભરાતા સ્થાનિકો જાતે જ પાણીનો નિકાલ કરવા મજબૂર બન્યા હતા ગુંદાળા શેરીમાં વરસાદિ પાણી–પાણી થયા હતા. ભારે પવનના કારણે ખટારા સ્ટેન્ડ, પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ સહિતના અનેક સ્થળે વૃક્ષો જમીનદોસ્ત થયા હતા.
બીજી તરફ વાવાઝોડા જેવા પવનને કારણે શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાહી થયા છે. ગુંદાળા ચોકડીના ઓવરબ્રિજ પર લગાવેલું એક મસમોટું હોડિગ પવનના કારણે ઉડીને નીચે પડું હતું. હજુ પણ અનેક હોડિગ્સ જોખમી રીતે લટકી રહ્યા છે, પરંતુ તત્રં હજુ પણ આ બાબતે આખં આડા કાન કરી રહ્યું છે. તાલુકાના ગુંદાળા, અનિડા, ભુણાવા, બિલિયાળા સહિતમાં ધોધમાર વરસાદ પડયો હતો.આ વરસાદને પગલે લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત તો ચોક્કસ મળી છે અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. હાલમાં પણ ગોંડલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આ વરસાદથી કયાંક ખુશી છે, તો તંત્રની ઘોર બેદરકારીના કારણે જનતામાં ભારે ચિંતા અને રોષનો માહોલ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application