BREAKING NEWS

યુવાનના કર્લી અને લાંબા વાળ અંગે મજાક કરી તેને ઢીકાપાટુ-લાકડી,પટ્ટાથી મારમાર્યો

  • October 08, 2025 09:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
સાધુ વાસવાણી રોડ પર યુવાનને કારમાં ધરાર બેસડાવાની કોશિશ કરી તેને ઢીકાપાટુ અને લાકડી તથા પટ્ટા વડે મારમાર્યો હતો. યુવાન દિવસો પૂર્વે સાધુવાસરવાણી રોડ પર શાકમાર્કેટમાં હતો ત્યારે આ શખસોએ તેના કર્લી અને લાંબા વાળને લઇ મજાક કરતા યુવાને મજાક કરવાની ના કહી હતી. બાદમાં આ બાબતનો ખાર રાખી યુવાન પર હુમલો કરી જ્ઞાતિ અંગે અપમાનિત કર્યો હતો. આ અંગે યુવાનની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે સાત શખસો સામે એટ્રોસિટી,રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડાના ઝુંડવડલી ગામના વતની અને હાલ રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર અક્ષર સ્કૂલની બાજુમાં રહેતા વિશાલ જેઠાભાઇ સાંવ(ઉ.વ ૨૭) નામના યુવાને યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિજય, કુલદીપ દરબાર તથા અજાણ્યા પાંચ શખસોના નામ આપ્યા છે.


યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં તેની બહેન ઉર્મિલાબેન સાથે રહે છે અને આજી જીઆઇડીસીમાં ટર્બો ગેટ પાસે વાસુ માર્કેટીંગ નામની કન્ટ્રકશન કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. ગઇ તા. ૨/૧૦ ના રોજ તે તેના બહેન ઉર્મિલાબેન સાથે સાધુ વાસવાણી રોડ પર શાકમાર્કેટમાં ગયો હતો. ત્યારે આરોપી વિજય અને કુલદીપે તેની બહેનની હાજરીમાં યુવાનના લાંબા અને કર્લી વાળ અંગે મજાક કરી હતી. જેથી યુવાને કહ્યું હતું કે, તમારા ઘરે મા બહેન, દિકરી હોય તો આવી મજાક ન કરાય. તેણે પોતાની બહેનને વાત કરતા તેણે આપણે કોઇ લપ કરવી નથી તેમ કહી બંને અહીંથી જતા રહ્યા હતાં.


બાદમાં તા.૫/૧૦ ના રોજ યુવાન રાત્રીના મિત્ર રોહિત લાડવા સાથે ડિલકસ પાનની દુકાને માવો ખાઇ પરત ફરતો હતો ત્યારે રાજ પેલેસ ચોકમાં વિજય અને તેની સાથેના ત્રણ શખસોએ યુવાનને બોલાવી તેની સાથે માથકૂટ કરી તેને ગાડીમાં બેસડવા પ્રયાસ કર્યો હતો.યુવાન અહીંથી ભાગતા તેની પાછળ દોડી ઝાયલો કારમાં યુવાનને બેસાડી ઢીકાપાટુનો મારમાર્યો હતો. દરમિયાન વિજયના બીજા મીત્રો કુલદીપ દરબાર અને બે અજાણ્યા શખસો આવ્યા હતાં. તેની પાસે લાકડી હોય યુવાનને લાકડી વડે મારમાર્યો હતો બાદમાં તેને પટ્ટા વડે મારમાર્યો હતો. આ મારમારીમાં યુવાને ગળામાં પહેરેલો ૩૫ ગ્રામનો સોનાનો ચેઇન અને પાકિટ જેમાં રોકડ રૂ.૪ હજાર હોય તે કયાંક પડી ગયા હતાં. આ દરમિયાન યુવાનના મિત્રો અહીં આવી જતા અને લોકો એકત્ર થઇ જતા આ શખસો અહીંથી નાસી ગયા હતાં. જતા જતા ધમકી આપી હતી કે, આજે તો તું બચી ગયો આજુબાજુ દેખાતો નહીં તેવી ધમકી આપી જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યા હતાં. ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં તેણે આ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે એટ્રોસિટી અને રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application