BREAKING NEWS

રાત્રે નવ વાગ્યા પછી રોડ બની જાય છે કાળમુખા, ઇન્ડિયા રોડ સેફ્ટી રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

  • June 26, 2026 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સામાન્ય રીતે લોકો એવું વિચારતા હોય છે કે દિવસભરની ભીડભાડ પછી રાત્રે રસ્તાઓ ખાલી થઈ જતાં મુસાફરી વધુ સુરક્ષિત અને સરળ બને છે. પરંતુ તાજેતરમાં જાહેર થયેલા ‘ઇન્ડિયા રોડ સેફ્ટી રિપોર્ટ ૨૦૨૬’ના આંકડા આ ધારણાને તદ્દન ખોટી સાબિત કરે છે. આ અહેવાલ અનુસાર, ભારતમાં રાત્રે ૯ થી ૧૦ વાગ્યાની વચ્ચેનો સમય ડ્રાઇવિંગ માટે સૌથી વધુ જોખમી સાબિત થયો છે. તેનાથી વિપરીત, બપોરે ૧ થી ૨ વાગ્યાની વચ્ચેનો સમય ડ્રાઇવિંગ માટે સૌથી સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ વ્યાપક રિપોર્ટ ૪૫ લાખથી વધુ મુસાફરી, ૫.૫ કરોડ કિલોમીટરનું ડ્રાઇવિંગ અને ૨૭ હજારથી વધુ ચાલકોના ડેટાના વિશ્લેષણ પરથી તૈયાર કરવામાં આવ્યો છે.


અહેવાલમાં જણાવ્યા મુજબ, રાત્રિના સમયે રસ્તાઓ સુમસામ થતાં જ વાહનચાલકોની માનસિકતા બદલાઈ જાય છે. રસ્તા ખાલી જોઈને લોકો અત્યંત ઝડપે (ઓવર-સ્પીડિંગ) વાહન ચલાવવા લાગે છે. આ ઉપરાંત, દિવસભરનો થાક, એકાગ્રતાનો અભાવ અને વહેલા ઘરે પહોંચવાની ઉતાવળ પણ અકસ્માતનું જોખમ વધારે છે. રાત્રે ૮ વાગ્યા પછી લોકોના ડ્રાઇવિંગ બિહેવિયર (વર્તન) માં ઝડપથી ઘટાડો નોંધાય છે. ભારતમાં થતા ૮૦ ટકાથી વધુ માર્ગ અકસ્માતો પાછળ માનવીય ભૂલો અને ખરાબ વર્તન જ જવાબદાર છે. અકસ્માતોને કારણે દેશને દર વર્ષે જીડીપીના ત્રણ થી પાંચ ટકા જેટલું મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે છે.


આ રિપોર્ટમાં એક અત્યંત રસપ્રદ તથ્ય સામે આવ્યું છે કે રોડ અકસ્માતો પાછળ પુરુષ કે સ્ત્રી હોવાનો કોઈ સંબંધ નથી. મહિલાઓ અને પુરુષોના ડ્રાઇવિંગ સ્કોરમાં બહુ નજીવો તફાવત જોવા મળ્યો છે. મહિલાઓનો સરેરાશ ડ્રાઇવિંગ સ્કોર ૯૨.૮૬ રહ્યો છે, જ્યારે પુરુષોનો સ્કોર ૯૨.૪૩ નોંધાયો છે. આ આંકડા એ રૂઢિચુસ્ત માનસિકતાને તોડે છે કે રોડ સેફ્ટી કોઈ ચોક્કસ જેન્ડર કે વર્ગ સાથે જોડાયેલો વિષય છે.


ભારતમાં માર્ગ અકસ્માતોમાં દર વર્ષે આશરે ૧.૭૩ લાખ લોકો પોતાના જીવ ગુમાવે છે. આમાં સૌથી મોટી સંખ્યા ૧૮ થી ૪૫ વર્ષની વયજૂથના યુવાનોની છે. કુલ રોડ અકસ્માતોના મોતમાં સૌથી વધુ ૪૪ ટકા હિસ્સો ટુ-વ્હીલર ચાલકોનો છે, જ્યારે ૧૯ ટકા મોત રસ્તો ઓળંગતા પદયાત્રીઓના થાય છે.

નિષ્ણાતોના મતે, અચાનક બ્રેક મારવી, વધુ પડતું એક્સિલરેશન આપવું, ઓવર-સ્પીડિંગ, ડ્રાઇવિંગ વખતે ધ્યાન ભટકવું અને ખોટી રીતે ઓવરટેકિંગ કરવું એ સૌથી મોટા પડકારો છે . આથી જ હવે માર્ગ સલામતીને માત્ર પોલીસ વહીવટ કે એન્જિનિયરિંગનો વિષય ન રાખતા, લોકોના ડ્રાઇવિંગના વલણમાં પરિવર્તન લાવવાના જન-આંદોલન તરીકે જોવામાં આવી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application