ભાડલાના બરવાળા સીમ વિસ્તારમાંથી આશરે બે મહિના પહેલા પવનચક્કીમાંથી કોપર વાયરની ચોરી થઇ હતી. જે અંગે રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ચોરી કરનાર ચોટીલાના ગુંદાગામના આરોપીને કોપર વાયર સહિતના .૪૪ હજારના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. જયારે ત્રણ શખસોના નામ ખુલ્યા છે. રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરે વિવિધ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી કાર્યવાહી કરવાની સૂચના આપી હોય જેને લઇ રલ એલસીબી પીઆઈ વી. વી.ઓડેદરાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ભાડલાના બરવાળા સીમ વિસ્તારમાંથી આશરે બે મહિના પહેલા પવનચક્કીમાંથી કોપર વાયર ચોરી કરનાર ફરાર શખ્સ દિલીપ છગન સોલંકી (રહે ગુંદાગામ, સુરેન્દ્રનગર) ને પકડી પાડી તેની પાસેથી .૩૪ હજારની કિંમતનો ૩૪ કિગ્રા કોપર વાયર બે મોબાઈલ સહિતનો .૪૪ હજારનો મુદામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી.પોલીસે જણાવ્યું હતું કે, પકડાયેલ શખ્સે મોજશોખ પૂરા કરવા માટે ગુંદા અને તાજપર ગામના શખ્સોની એક ગેંગ બનાવી હતી. જેમાં તેમની સાથે અજીત વિહા ગાબુ (રહે તાજપર, સુરેન્દ્રનગર) રગો ઉર્ફે ગુર ભોળા પલાળિયા (રહે ગુંદાગામ, ચોટીલા) અને રણજીત વશરામ સાઢમિયા (રહે.ગુંદાગામ, ચોટીલા) ને રાખી ચોરીને અંજામ આપતાં હતા. ચોરીમાં સામેલ અન્ય આરોપીઓને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે. ચોરીમાં ઝડપાયેલા આરોપી દિલીપ સામે રાજકોટ શહેર તેમજ સુરેન્દ્રનગરના અલગ અલગ પોલીસ મથકમાં અલગ અલગ આઠ ગુના નોંધાઈ ચૂકયા છે.