BREAKING NEWS

એક હાથે પૈસા, બીજા હાથે માલનું કહી વેપારીની 6.80 લાખની ચાંદી ચાઉં કરી ગયો

  • March 07, 2026 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરમાં છેતરપિંડીના બનાવોનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે ખાસ સોના અને ચાંદીમાં ધરખમ ભાવ વધારા બાદ છેતરપિંડીના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો હોય વેપારીઓમાં ગભરાટ જોવા મળી રહ્યો તેવા સંજોગોમાં વધુ એક છેતરપિંડી નો બનાવ સામે આવ્યો છે જેમાં ચાંદીનું મજૂરીકામ કરતા યુવક સાથે પિતરાઈ ભાઈ થકી સંપર્કમાં આવેલા શખસે વેપારીનું ૬.૮૦ લાખનું ચાંદી ઓળવી જતાં બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટના પેડક રોડ પર આવેલ ગાંધી સ્મૃતિ 02 શેરી નંબર ત્રણ સેટેલાઈટ ચોકમાં રહેતા મુકેશ ઘેલાભાઈ ડાભી (ઉ.વ.૪૫)એ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી શ્રમજીવી સોસાયટીમાં રહેતા મહેશ ઉકાભાઇ ઠુંમર સામે ફરિયાદ નોંધાવી હતી.


ફરિયાદી મુકેશભાઈ ડાભી એ જણાવ્યા મુજબ સેટેલાઈટ ચોકમાં ગાંધી સ્મૃતિ શેરી નં.૩માં રહે છે અને ઘરબેઠા ચાંદીનું મજૂરી કામ કરે છે. દરમિયાન ગત ૧-૯-૨૦૨૫ના મુકેશ અને તેનો પુત્ર હિરેન દુકાને હતા ત્યારે પિતરાઈ ભાઈ રાહુલ ઈન્દુભાઈ ડાભી મહેશ ઉકાભાઈ ઠુમ્મર નામની વ્યક્તિને લઈને આવ્યો હતો. ત્યારે મહેશે કહ્યું હતું કે તે સેટેલાઈટ ચોકમાં રાધામીરા સોસાયટીમાં રહે છે અને સોની બજારમાં માંડવી ચોક પાસે હોલસેલની ચાંદીકામની દુકાન છે.


મહેશ એજન્ટ તરીકે ચાંદીનો તૈયાર માલ ટુર કરીને અન્ય રાજ્યમાં પણ વેચે છે. તેમજ મહેશ ઠુમરે મુકેશ ડાભીને કહ્યું હતું કે એક હાથે પૈસા દેવાના અને બીજા હાથે માલ લેવાનો તેમ કહી વેપારીને વિશ્વાસમાં લીધા બાદ મહેશે ર૬૦ નંગ ચાંદીના કડાનો ઓર્ડર આપ્યો હતો, આ કડા ૧૦ દિવસમાં તૈયાર થઈ જતાં હિરેને મહેશને ફોન કરતાં તેણે કહ્યું હતું કે તે પોતે દુકાને આવીને માલ લઈ જશે.


ત્યારબાદ દુકાને આવી કહ્યું હતું કે માલ હું અત્યારે દુકાને લઈ જાઉં છું અને બિલ તમે દુકાનેથી લેતા આવજો ત્યારે જ માલની થતી કિંમતની સામે ચાંદીના ચોરસા લઈ જજો જો કે કડા લઈ ગયા બાદ મહેશ દ્વારા ચાંદીના ચોરસા આપવા મુદ્દે બહાના કાઢવામાં આવી રહ્યા હોય તપાસ કરતાં મહેશ રાધામીરા સાસોયટી નહીં પરંતુ ભોમેશ્વર વિસ્તારમાં આવેલી શ્રમજીવી સોસાયટીમાં રહેતો હોવાનું ધ્યાન પર આવતાં મહેશ ઠુમ્મરના ઘેર પહેંચ્યા હતા.


જ્યાં મહેશ મળી જતાં તેને વેપારી મુકેશભાઈ ને થોડા સમયમાં પૈસા પરત આપી દેવાનું કહ્યું હતું પરંતુ ઘણો સમય વીતી જતા અંતે ફરિયાદી મુકેશભાઈ ડાભીએ આરોપી મહેશ ઠુંમર સામે બી ડિવિઝન પોલીસ મથકમાં પોતાની સાથે 6.80 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવતા પીએસઆઇ કે પી જાદવ એ વધુ તપાસ હાથધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application