BREAKING NEWS

જગતના નાથ નીકળ્યા નગરચર્યાએ, ભક્તોનું ઘોડાપૂર

  • July 16, 2026 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ ભગવાન જગન્નાથની રથયાત્રાને રંગે રંગાઈ ગયું છે. ‘જય રણછોડ, માખણ ચોર’ અને ‘જય જગન્નાથ’ના ગગનભેદી નાદથી શહેર આખું ગુંજી ઉઠ્યું છે. જે ક્ષણની લાખો શ્રદ્ધાળુઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વહેલી સવારે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરી હતી. વર્ષો જૂની રાજાશાહી પરંપરાને જીવંત રાખતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણી વડે પ્રભુના રથનો માર્ગ સાફ કરીને પવિત્ર 'પહિંદ વિધિ' સંપન્ન કરી હતી. પુરીમાં 'છેરા પહેરા' તરીકે ઓળખાતી આ પૂજા એ વાતનું પ્રતીક છે કે ભગવાનની નજરમાં રાજા હોય કે પ્રજા, સૌ સમાન સેવક છે. મુખ્યમંત્રીએ ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી સમગ્ર રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ મંગળ વિધિ પૂર્ણ થતાં જ સવારે સાડા સાત વાગે ભારે હર્ષોલ્લાસ સાથે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના ત્રણેય દિવ્ય રથો મંદિર પરિસરની બહાર આવી નગરચર્ચા નીકળ્યા હતા. વર્ષમાં એકવાર પોતાના ભક્તોને સાક્ષાત દર્શન આપવા પ્રભુ રોડ પર નીકળતા જ ભક્તોનું કીડીયારું ઉભરાયું છે. રથયાત્રામાં આગળ ચાલતા ગજારાજા, અખાડા, ભજન મંડળીઓ અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો આકર્ષણનું કેન્દ્ર બની છે. સમગ્ર રૂટ પર મગ અને જાંબુના પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે. આ 149મી રથયાત્રામાં દર વર્ષની જેમ પરંપરા, આસ્થા અને સામાજિક એકતાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. યાત્રામાં આગળ ચાલતા ગજરાજ, દેશભરમાંથી આવેલા અખાડાના સાધુ-સંતોના કરતબો અને વિવિધ ભજન મંડળીઓ ભક્તો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ તેમજ મહામંત્રી સહિત મુસ્લિમ ધર્મગુરુઓ, સૂફી સંતો અને મુસ્લિમ સમાજ દ્વારા પણ રથયાત્રાનું સ્વાગતના પોસ્ટર સાથે સ્વાગત કર્યું હતું. રસ્તાઓ પર હરિધૂનનો ગુંજારવ થઈ રહ્યો છે. સમગ્ર રૂટ પર વિવિધ સમાજો અને સંગઠનો દ્વારા રથયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે, તેમજ ઠેર-ઠેર શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદ અને વિશેષ સેવાકીય વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. અમદાવાદ પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, જેની સુરક્ષા વચ્ચે ભગવાન નગરચર્યા કરશે. બીજી તરફ, રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે અમદાવાદ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સુપર એલર્ટ મોડ પર છે. સુરક્ષાને વધુ મજબૂત બનાવતા ક્રાઈમ બ્રાન્ચનું હાઈટેક 'એન્ટી-ડ્રોન' સિસ્ટમ વહેલી સવારથી જ એક્ટિવ કરી દેવામાં આવ્યું છે. આકાશમાંથી ડ્રોન દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર સતત બાજ નજર રાખીને કંટ્રોલ રૂમમાંથી સીધું મોનિટરિંગ કરાઈ રહ્યું છે. આ લોખંડી બંદોબસ્ત વચ્ચે ભક્તો નિર્ભય બનીને આ પરંપરા, આસ્થા અને એકતાના અનોખા ઉત્સવને માણી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application