BREAKING NEWS

જામનગર : ચિંતન કરે તેની ચિંતા ઠાકોરજી કરે છે, ઇશ્ર્વર પર ભરોસો રાખો-પૂ.જીગ્નેશ દાદા

  • October 27, 2025 01:16 PM 


આજના જમાનામાં લોકો ચિંતા બહુ કરે છે, તમે ચિંતા નહીં પ્રભુનું સ્મરણ કરો, પરમાત્માનું ચિંતન કરવું એ જ શ્રેષ્ઠ છે, જે લોકો ચિંતન કરે તેની ખુદની ચિંતા ઠાકોરજી કરે છે, ઇશ્ર્વરમાં તમારે સંપૂર્ણપણે ભરોસો રાખવો જોઇએ, જો તમારૂ કામ થયું ન હોય તો પણ નિરાશ થવાની જરૂર નથી, પ્રેમ હોય ત્યાં જ પરમાત્મા દેખાય છે, બાળકોને પણ તમારે વડીલ અને સંતોને પગે લાગતા શિખવવું જોઇએ, આજના જમાનામાં સંતો, ભગવાન અને બ્રાહ્મણને પગે લાગવું જોઇએ તેમ ગઇકાલે યોજાયેલી શ્રીમદ ભાગવત સપ્તાહમાં જાણીતા ભાગવત કથાકાર પૂ.જીગ્નેશ દાદાએ જણાવ્યું હતું. 


જામનગરમાં પટેલવાડી ખાતે જેન્તીભાઇ નાથાભાઇ ફલીયા પરીવાર દ્વારા પૂ.જીગ્નેશ દાદાની ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથામાં યોજાયેલા રામજન્મોત્સવ અને કૃષ્ણ જન્મોત્સવની હરખભેર ઉજવણી કરવામાં આવી હતી. પૂ.દાદાએ કહ્યું હતું કે, જો તમે ભગવાનમાં ભરોસો રાખશો તો પરમાત્મા તમારો ભરોસો રાખશે. તમારે અપશબ્દોનું કયારેય ઉચ્ચારણ ન કરવું જોઇએ, જો તમને ગમતું ન હોય તો ત્યાંથી નિકળી જવું, તમે ખરાબ નહીં બોલો તો દુનિયા પણ તમારૂ ખરાબ નહીં બોલે. આ કથા ઘરમાંથી કાઢી મુકવા માટેની નથી, કથા તો તમા‚ જીવન સુંગધીત કરે છે, પરમાત્માને જોવા માટે આંખની નહીં દ્રષ્ટિની જરૂર છે, જયાં પ્રેમ હોય ત્યાં ભગવાન જરૂર પધારે છે. 


તેમણે ક્હ્યું હતું કે, આપણી આંખ બંધ ન હોવી જોઇએ, આંખ બંધ થાય તો કહેવાનું રહી જશે અને આંખ ખુલી હશે તો તમારી સાથે બધુ છે. સંસારમાં કોઇને દુ:ખ થાય તેવું તમારે ન બોલવું જોઇએ, સારૂ ન બોલો તો કાંઇ નહીં પરંતુ ખરાબ ન કહેવું જોઇએ, શબ્દોના ઘા રૂઝાતા નથી, કેટલાક લોકો શબ્દોથી મૃત્યુ પામ્યા છે, જો તમને બોલતા ન આવડે તો ચુપ રહો, શબ્દના પડેલા ઘા ઉપર મલમ લગાડો તો પણ રૂઝ ન આવે, સત્સંગ ફકત પ્રભુની કૃપાથી જ મળે અને ભગવાનની કથા તો શાંતિનો અનુભવ કરાવે, કેટલાક લોકો ધર્મનું કામ કરનારાને રોકે છે, પરંતુ આવા લોકો બીજા જન્મમાં રાક્ષસ થાય છે અને તેથી જ મળેલી સતાનો સદઉપયોગ કરો, દુરૂપયોગ નહીં. ગઇકાલે યોજાયેલી કથામાં કૃષ્ણ જન્મોત્સવ અને રામ જન્મોત્સવની ભારે ઉજવણી કરવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application