BREAKING NEWS

જામનગર : સ્ટે. કમિટીએ વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ સહિત રૂ. ૧૭.૯૯ કરોડના કામો કર્યા મંજુર

  • December 05, 2025 05:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર મહાપાલીકાની સ્ટેન્ડીંગ કમિટીએ હવે ચુંટણી નજીક આવી રહી છે ત્યારે લોક ઉપયોગી કામો કરવા નિર્ણય કર્યો છે, હમુક વોર્ડમાં ખાસ કરીને વોર્ડ નં. ૧૬માં સ્ટે. કમિટી વરશી પડી છે, મોટાભાગના વિસ્તારમાં સીસી રોડ, પેવર બ્લોકના કામો કરવા નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે આજે કમિટીએ મોટાભાગના વિસ્તારોમાં સીસી રોડના કામો સહિત ૧૭.૯૯ કરોડના કામો મંજુર કર્યા છે.


સ્ટે. કમિટીની એક બેઠક આજરોજ ચેરમેન નિલેશ કગથરાના અઘ્યક્ષસ્થાને મળી હતી જેમાં મેયર, ડે. મેયર, મ્યુ. કમિશ્નર, ડીએમસી, સીટી ઇજનેર, આસી. કમિશ્નર સહિતના અધિકારીઓ અને ૧૧ સભ્યો હાજર રહયા હતા, વોર્ડ નં. ૧૬માં ખાનગી સોસાયટીમાં તેમજ ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતો અને રહેણાંક વિસ્તારમાં માળખાકીયા સુવિધા અને સીસી રોડ તેમજ પેવર બ્લોક માટે રૂ. ૨૫૦ લાખ, વોર્ડ નં. ૧૪માં સીસી બ્લોક અને પેવર બ્લોક માટે રૂ. ૬૦ લાખ, વોર્ડ નં. ૭માં સીસી રોડ અને પેવર બ્લોક માટે રૂ. ૨૫૦ લાખ, વોર્ડ નં. ૧૪માં સીસી બ્લોક, પેવર બ્લોક માટે ૬૦ લાખ મંજુર કરાયા હતા.


ઉપરાંત વોર્ડ નં. ૯માં ખાનગી સોસાયટી હાઉસીંગ બોર્ડ વસાહત અને રહેણાંક વસાહત માટે સીસી રોડ રૂ. ૨૫૦ લાખ, વોર્ડ નં. ૧૬માં ૨૦૨૫-૨૬ની ગ્રાન્ટમાંથી આશીર્વાદદીપ સોસાયટીથી કુબેરપાર્ક ૩, અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ એસટીપીથી જામનગર રાજકોટ રોડ, હરીધામ સોસાયટીથી એસટીપી સુધી સીસી રોડ બનાવવા રૂ. ૪૨૪.૭૦ લાખ મંજુર કરાયા હતા.


વોર્ડ નં. ૧૫માં સર્વે નં. ૧૩૦૨ની જગ્યામાં એમએલડી લીફટીંગ, પમ્પીંગ સ્ટેશન અને મેઇન્ટેનન્સ માટે રૂ. ૮૧.૭૮ લાખ, સમર્પણ ઝોન વિસ્તારમાં નવી આરસીસી, મેશનરી વાલ ચેમ્બર બનાવવા માટે રૂ. ૧૩.૬૦ લાખ, સોલીડ વેસ્ટ શાખા દ્વારા અલગ અલગ ગૌશાળામાં એકત્ર થયેલ છાણ ઉપાડવાની અને ભાવવધારો કરવાની દરખાસ્ત મંજુર કરાઇ હતી, જયારે વોર્ડ નં. ૧૪માં માળખાકીયા સુવિધા, સીસી રોડ અને પેવર બ્લોક માટે ૬૦ લાખ મંજુર કરાયા હતા.


સ્ટે. કમિટીએ આજે વોર્ડ નં. ૯ થી ૧૬માં ટ્રેકટર, ટ્રોલી વીથ લેબર સપ્લાય કરવા માટે રૂ. ૧૦ લાખ, વોર્ડ નં. ૧૪માં દિ.પ્લોટ શેરી નં. ૫૯-૬૦માં સીસી રોડ બનાવવા માટે ૩૬.૮૨, વોર્ડ નં. ૧૬માં મંગલધામ કનૈયાપાર્કથી મંગલધામના છેડા સુધી સીસી રોડ માટે ૧૪.૧૬ લાખ, કીર્તીપાનથી સરદારપાર્કથી વૃંદાવન પાર્ક સીસી રોડ માટે રૂ. ૩૨.૪૩ લાખ, વોર્ડ નં. ૮,૧૫ અને ૧૬માં કેનાલ બ્રિજ વર્ક માટે રૂ. ૫ લાખ, મહાપાલીકાની જુદી જુદી કચેરીમાં કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારી નવી નિમણુંક ૬ મહીના માટે આપવા તેમજ જામ્યુકોની જુદી જુદી જગ્યા ઉપર વધારાની કામગીરી માટે સ્પે. એલાઉન્સ આપવાની દરખાસ્ત મંજુર કરાઇ હતી.


વોર્ડ નં. ૧૬માં છેલ્લા ૪ મહિનામાં કરોડોના વિકાસ કામો મંજુર થતા કેટલાક નગરસેવકોમાં કચવાટ....

જામનગર મહાપાલીકા દ્વારા સ્ટે. કમિટીમાં અલગ અલગ વોર્ડમાં આંતર માળખાકીય સુવિધા અને સીસી રોડ, ભુગર્ભ ગટર, પેવર બ્લોક માટે રકમ ફાળવવામાં આવે છે પરંતુ છેલ્લા ૩-૪ માસથી વોર્ડ નં. ૧૬માં સતત નવા નવા કામો માટે કરોડો રૂપીયાની રકમ ફાળવવામાં આવે છે જેથી અન્ય નગરસેવકો કે જેઓના કામ થતા નથી તેઓમાં કચવાટની લાગણી જન્મી છે.


આ નગરસેવકોનુ કહેવુ છે કે અન્ય વિસ્તારમાં કામો થાય તેનો અમને વાંધો નથી પરંતુ અમારા કામ કેટલાય સમયથી પેન્ડીંગ છે તો વોર્ડ નં. ૧૬ને શા માટે મહત્વ આપવામાં આવે છે. આમ સ્ટે. કમિટીની કૃપાથી વોર્ડ નં. ૧૬નો ઝડપી વિકાસ બન્યો છે અને એકને ગોળ બીજા વોર્ડને ખોળ તેવી સ્થીતીનું નિર્માણ થઇ રહયુ હોય આગામી દિવસોમાં આ અંગે કોર્પોરેશનનો કચવાટ ખુલ્લેઆમ બહાર આવે તેવી પણ શકયતા છે તેવુ ચર્ચાઇ રહયુ છે. આ મિટીંગમાં રૂ. ૧૦૦૭.૧૩ કરોડના કામ માત્ર વોર્ડ નં. ૧૬માં જ પાસ થયા છે અને છેલ્લી કેટલીક સ્ટે. કમિટીની બેઠકમાં કરોડો રૂપીયાના કામો પાસ થયા છે જે પણ હકીકત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application