બજરંગવાડીમાં મકાન કમ ગોડાઉનમાં તસ્કરો ત્રાટકયા હતાં. ગોડાઉનમાંથી રોકડ રકમ અને મકાનના તાળા તોડી દાગીના સહિત રૂ.૫૩,૯૦૦ ની મત્તા ચોરી કરી ગયા હતાં. જે અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, રેલનગરમાં શીવાલીક ચોક દ્વારકા વીલેજ એપાર્ટમેન્ટમાં રહેતાં પ્રજેશભાઇ શૈલેષભાઈ મશરૂ (ઉ.વ.૪૩) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ નમકીનના સામાનનું વેચાણ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. નમકીનનો સામાન રાખવાનુ ગોડાઉન બીજા મકાનના નીચેના માળે હોય જે બજરંગવાડી શેરી.નં.૨ પુનીત નગર મેઈન રોડ હીતેશ પાવર લોંડ્રીની સામે આવેલ છે. આ મકાનમાં ઉપરનો માળ ભાડુઆત ગૌરાંગભાઈ રામાવતને આશરે બે વર્ષથી ભાડેથી રહેવા આપેલ છે. ભાડુઆત ગૌરાગભાઈ રામાવત જે છેલ્લા વીસેક દિવસથી જામનગર ખાતે ગયા હતા.
ગઈ તા.૦૩/૦૫ ના બપોરના બે વાગ્યાની આસપાસ તેઓ અને તેમના પિતા શૈલેષભાઇ બજરંગવાડી શેરી.નં.૨ પુનીત નગર મેઈન રોડ ખાતે નમકીનના ગોડાઉનને તાળુ મારી રેલનગર ઘરે પરત ગયેલ બાદ બીજા દિવસે તા.૦૪/૦૫ ના સવારના આશરે સાડા આઠેક વાગ્યાની આસપાસ પિતા શૈલેષભાઇનો ફોન આવેલ કે, બજરંગવાડીમાં આવેલ આપડા મકાન(ગોડાઉન) માં તાળુ તુટેલુ અને મકાનમા ઉપરના માળે ભાડે રહેતા ગૌરાંગભાઈ રામાવતના રૂમમા પણ દરવાજાનુ તાળુ તુટેલુ હતું.
જેથી તેઓ બજરંગવાડીમાં શેરી.નં.૨ મા આવેલ બીજા મકાન ખાતે ગયેલ અને ત્યાં જઈને જોયેલ તો ગોડાઉનનો દરવાજાનો નકૂચો તુટેલો હતો અને તે ગોડાઉનની અંદર કબાટમા એક સ્ટીલનો ડબો હતો જેમા રોકડા રૂ.૧૫ હજાર રાખેલ હતા, જે મળી આવેલ ન હોય અને બાદ મકાનમાં ભાડેથી રહેતા ગૌરાંગભાઈ રામાવતનો પણ આવી ગયેલ અને ઉપરના માળે તેના રૂમના દરવાજાનુ તાળુ નીચે તુટેલુ પડેલ હતુ અને અંદર જઈને જોતા લાકડાનો કબાટનો લોક તોડેલ અને સામાન સેટી ઉપર વેર વીખેર હાલતમાં પડેલ હતો અને કબાટમાથી એક સોનાની વિંટી ૧૯ હજાર અને નાના છોકરાના ચાંદીના એક જોડી નજરીયા, બીજા રૂમમાં રહેલ કબાટમાંથી એક જોડી ચાંદીની કડલી, ચાંદીની એક જોડી પાયલ, સ્ટીલનો ગલ્લો જેમા રાખેલ રોકડ રૂ.૫ હજાર તેમજ પર્સ જેમા રાખેલ રોકડ રૂ.૫ હજાર સહિતનો મુદામાલ મળી આવેલ નહીં. તસ્કરોએ કુલ રૂ.૫૩૯૦૦ ના દાગીના અને રોકડની ચોરી થતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.