રાજકોટ શહેરના જંકશન વિસ્તારમાં આવેલા હંસરાજ નગરમાં રહેતા સિંધી પરિવારના મકાનમાં બે માસમાં બીજી વખત ચોરીની ઘટનાએ સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ખડા કર્યા છે, નિવૃત્ત સિંધી વૃદ્ધ દંપતી અને તેની પૌત્રી મકાનના ઉપરના માળે સુવા ગયા હતા તે દરમિયાન બહારથી આગળીઓ બંધ કરી કોઈ અજાણ્યા તસ્કરો મકાનના નીચેના દરવાજાના તાળા તોડી મકાનમાં ઘૂસી રોકડા રૂપિયા 10,000 ની ચોરી કરી લઈ ગયા અંગેની પ્રનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી
પોલીસસૂત્રોમાંથી મળતી વિગતો મુજબ શંકરલાલ કુંદનલાલ ક્રીપલાણી ઉ.વ.૫૯ રહે, હંસરાજનગર ભીડબજાર શેરી નં.૦૧ બ્લોક નં.૧૫ રાજકોટ વાળાએ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં શંકરભાઈએ જણાવ્યું હતું કે પત્ની રેખાબેન તથા દીકરો મહેશ ઉ.વ.૩૩ તથા પુત્રવધુ પ્રીયાબેન ઉ.વ. ૩૩ તથા પૌત્રી મનત ઉ.વ. ૫ સંયુક્ત પરીવારમા રહેતા હોવાનું અને પોતે નિવ્રુત જીવન ગુજારે છે, ગઇ કાલે તા.૦૨/૦૨/૨૦૨૬ના રાત્રીના ૧૨ વાગ્યા પછી મકાનમા નિચેના માળે ટી.વી જોયા બાદ સુવા માટે નીચેના મકાનના દરવાજાને લોક મારી બીજા માળે ગયેલ હતા.
બાદમા સવારના આશરે સાડા છ એક વાગ્યાના સમયે નીચે જવા રૂમનો દરવાજો ખોલતા રૂમનો દરવાજો બહારની તરફથી એકા એક બંધ હોય જેથી પત્ની રેખાબેને પાડોશમા રહેતા વિમલા બેનને ફોન કરી દરવાજો બહારની તરફથી બંધ હોય જે ખોલવા જણાવતા તેઓ આવી બહારથી દરવાજો ખોલતા પરીવારના સભ્યો નીચે આવી જોતા અમારા નિચેના મકાનમા દરવાજાને લોક મારવા માટેનો આગળીયો કાપેલો જોવા મળેલ હતો.
જેથી દરવાજો ખોલી મકાનમા ચેક કરતા હોલમા તથા રસોડામા રાખેલ ઘર વખરીનો સામાન વેર વિખેર હાલતમા જોવામા આવેલ જેથી અમોને લાગેલ કે કોઈ ચોર ઈસમ આવી ગયેલ હોય જેથી અમોએ રસોડામાં કબાટની ઉપર રાખેલ રૂપીયા ૧૦,હજાર જોવામાં નહીં આવતા ચોરી થયા અંગેની પોલીસમાં જાણ કરી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
બે માસ પહેલા ચાર લાખની ચોરીમાં પોલીસે માત્ર અરજી જ લીધી હતી
હંસરાજનગરમાં નિવૃત વૃધ્ધના મકાનમાં બે માસમાં બીજી વખત તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે , અગાઉ ચોરીમાં તસ્કરો સોનાના દાગીના અને રોકડ સહિત ચાર લાખની મતા ચોરી કરી ગયાં હતા, ત્યારે પણ પ્રનગર પોલીસે ફક્ત અરજી જ લીધી હોવાનો અને આજ દિન સુધી પોલીસ આરોપીને પકડી શકી નથી તેવો સિંધી પરિવારે આક્ષેપ કર્યો હતો ત્યારે પોલીસ તપાસ કરે તે પૂર્વે જ ફરી બીજી વખત તસ્કરો કળા કરી જતા પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા છે.