અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી એકવાર સોનાની દાણચોરીના પ્રયાસને કારણે ચર્ચામાં આવ્યું છે. વિદેશથી આવતા મુસાફરો સોનું છુપાવવા માટે અવનવા કીમિયા અજમાવતા હોય છે, પરંતુ આ વખતે કસ્ટમ વિભાગની બાજ નજર સામે એક તસ્કરની ‘જીન્સ ટ્રીક’ નિષ્ફળ સાબિત થઈ છે. કસ્ટમ અધિકારીઓએ મલેશિયાથી આવેલા એક શખ્સ પાસેથી અંદાજે ₹44 લાખની કિંમતનું સોનું ઝડપી પાડ્યું છે.
શંકાસ્પદ હલનચલન અને પકડાઈ ગઈ ચોરી
ઘટનાની વિગત એવી છે કે મલેશિયાના કુઆલાલમ્પુરથી આવેલી ફ્લાઈટના પેસેન્જરોનું જ્યારે રૂટિન ચેકિંગ ચાલી રહ્યું હતું, ત્યારે એક પુરુષ મુસાફરની બોડી લેંગ્વેજ અને હલનચલનથી અધિકારીઓને કંઈક અજુગતું લાગ્યું હતું. પેસેન્જરના સામાનમાં કંઈ ન મળતા અધિકારીઓએ તેની વ્યક્તિગત તપાસ હાથ ધરી હતી.
જીન્સમાં ગુપ્ત ખાનું
જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મુસાફરે પોતે પહેરેલા જીન્સના પેન્ટમાં અત્યંત ચાલાકીપૂર્વક એક છુપી રીતે સોનું સંતાડ્યું હતું.
જપ્ત કરાયેલા મુદ્દામાલની વિગતો
કસ્ટમ વિભાગે મુસાફર પાસેથી કુલ ૩૧૦.૧૨ ગ્રામ સોનું જપ્ત કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના વધતા ભાવને જોતા આ જપ્ત કરાયેલા જથ્થાની કિંમત અંદાજે ૪૪ લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. કસ્ટમ વિભાગે સોનું જપ્ત કરી મુસાફરની અટકાયત કરી છે.
છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ એરપોર્ટ પર પેસ્ટ ફોર્મમાં કે કપડામાં છુપાવીને સોનું લાવવાના કિસ્સાઓ વધ્યા છે. તેને જોતા કસ્ટમ અને સુરક્ષા એજન્સીઓએ ‘રેડ ચેનલ’ પર વોચ વધારી દીધી છે.