શરમ..જામનગરમાં સબ રજીસ્ટ્રાર કચેરી ગોબરી, લોકો સ્વચ્છતા ન રાખે તો દંડ..!
શરમ..જામનગરમાં સબ રજીસ્ટ્રાર કચેરી ગોબરી, લોકો સ્વચ્છતા ન રાખે તો દંડ..!
December 30, 2025 12:10 PM
જામનગરમાં સરકારના સ્વચ્છતા અભિયાનના લીરા ખુદ સરકારી કચેરીઓ ઉડાવી રહી છે. કારણ કે, શરૂ સેકશન રોડ પર આવેલા મહેસૂલ સેવા સદનમાં કાર્યરત સબ રજીસ્ટ્રાર કચેરી ગોબરી જોવા મળી રહી છે. કારણ કે, દરરોજ મોટી સંખ્યામાં અરજદારો મિલકતોના દસ્તાવેજોની નોંધણી માટે આવે છે તે કચેરીમાં કચરાથી ઉભરાતી પેટીઓ, ગંદકીથી ખદબદતું પીવાના પાણીનું સ્ટેન્ડ તથા કચેરીમાં ચોમેર પાનની પીચકારીથી રોજ સફાઇના દાવા પોકળ પુરવાર થયા છે. નવાઇની વાત તો એ છે કે અધિકારીઓ દ્રારા આંખ આડા કાન કરવામાં આવતા ગંદકીથી અરજદારો ત્રાહીમામ પોકારી ગયા છે.
જામનગરમાં સ્વચ્છતા જાળવવી એ માત્ર શહેરીજનોની ફરજ હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. આટલું જ નહીં ઘરની બહાર અને શહેરમાં સ્વચ્છતા જાળવવા લોકોને સતત અનુરોધ અને શીખ મનપા તથા તંત્રના અન્ય વિભાગો દ્રારા આપવામાં આવે છે. પરંતુ શહેરમાં મોટાભાગની કચેરીઓ ગોબરી જોવા મળતા સ્વચ્છતા અભિયાનના લીરા ઉડી રહ્યા છે. નવાઇની વાત તો એ છે કે, છાશવારે સરકારી કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ જુદા-જુદા અભિયાન અંતર્ગત સ્વચ્છતાના શપથ લેતા હોય છે. ત્યારે શહેરમાં શરૂ સેકશન રોડ પર કાર્યરત મહેસૂલ સેવા સદન કે જેમાં મામલતદાર, સબ રજીસ્ટ્રાર, પ્રાંત અધિકારી સહીતની મહત્વની સરકારી કચેરીઓ કાર્યરત છે. આથી સ્વાભાવિક રીતે આ કચેરીમાં દરરોજ મોટી સંખ્યામાં અરજદારો સરકારી કામગીરી માટે આવે છે.
ત્યારે મહેસૂલ સેવા સદનમાં પહેલા માળે કાર્યરત સબ રજીસ્ટ્રાર કચેરીમાં ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યાની ફરિયાદો અરજદારોમાં જોરશોરથી ઉઠી છે. પીવાના પાણીનું સ્ટેન્ડ કે ગંદકીથી ખદબદી રહ્યું હોય અરજદારોને પાણી પીવું કેમ તે એક સમસ્યા બની છે. કચરા પેટી કચરાથી ઉભરાતી હોય ખાલી થતી ન હોય તે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. આટલું જ નહીં પીવાના પાણીના સ્ટેન્ડમાં નળ નથી. કચેરીમાં ચોમેર પાનની પીચકારીથી ગંદકીએ માઝા મૂકી છે.
ત્યારે સબ રજીસ્ટ્રાર તથા અન્ય કચેરીની સફાઇ માટે કરવામાં આવતો મસમોટા ખર્ચ પર પાણી ઢોળની સ્થિતિ સર્જાઇ છે. આમ છતાં જુદી-જુદી સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ દ્રારા આંખ આડા કાન કરવામાં આવતા અરજદારોને કચેરીઓમાં પ્રર્વતી રહેલી ગંદકી અને પ્રાથમિક સુવિધાના અભાવથી નાકે દમ આવી ગયો છે. સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજોની નોંધણી માટે અમુક કિસ્સામાં કલાકો સુધી રાહ જોવાની ફરજ પડે છે. આ સ્થિતિમાં પીવાના પાણી સહીતની પ્રાથમિક સુવિધા તથા કચેરીમાં અન્ય સ્થળે ગંદકીની ભરમારથી અરજદારો જાયે તો જાયે કહાંની સ્થિતિમાં મૂકાયા છે.