BREAKING NEWS

બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓની ચકાસણી તા. 19 થી શરૂ થશે: 73 હજાર શિક્ષકોને ઓર્ડર

  • March 11, 2026 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી પરીક્ષાઓ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે. પરીક્ષા પૂરી થાય તે પહેલા જ મૂલ્યાંકનની એટલે કે પેપર ચકાસણીની કામગીરી શરૂ થાય તે દિશામાં બોર્ડ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ધોરણ 10, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ જેમ જેમ લેવાતી જાય છે તેમ તેમ જે તે વિષયની ઉત્તરવહીઓ તે દિવસે જ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા પાલા સેન્ટરોમાં મોકલી દેવામાં આવે છે.

પાલા સેન્ટરોમાં એકત્ર કરવામાં આવેલી આ તમામ ઉત્તરોહીઓ હવે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રને મોકલવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષામાં અલગ અલગ 37 મુખ્ય વિષયો હતા. તે પૈકી ૧૬ વિષયની ઉત્તરવહીઓ રાજકોટ શહેર અને જિલ્લાના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં ચકાસવામાં આવશે. આ માટે વિષય વાઈઝ અલગ અલગ જગ્યાએ મૂલ્યાંકન કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.

ધોરણ 10 અને 12 ની પરીક્ષા પૂરી થવાના અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે ત્યારે કુલ અલગ-અલગ 37 માંથી 16 વિષયની ઉત્તરવહી ચકાસણી રાજકોટ શહેર અને જિલ્લામાં જુદા જુદા મૂલ્યાંકન કેન્દ્રોમાં ચકાસવામાં આવશે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના અને બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 10 નું ગણિતનું પેપર પડધરી તાલુકાના ખાંમટા ગામે કન્યા વિદ્યાલય અને ફિઝિક્સનું પેપર ચૌધરી હાઈસ્કૂલમાં ચેક થશે. તારીખ 19 માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સના છ- છ પેપર અને સામાન્ય પ્રવાહના ચાર વિષયની ઉત્તરવહીની ચકાસણીનો પ્રારંભ થશે.

બોર્ડની આ પરીક્ષામાં 15.27 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને તેના પેપરની ચકાસણી માટે સમગ્ર રાજ્યમાંથી 73 હજાર જેટલા શિક્ષકોને ઓર્ડર કરવામાં આવ્યા છે. આ વર્ષે પેપર ચકાસણીની કામગીરી ઝડપથી પૂરી થાય તે માટે શિક્ષકો ઉપરાંત જ્ઞાન સહાયકોની પણ સહાય લેવામાં આવશે.

ધોરણ 10 માં રાજકોટ શહેર અને જિલ્લામાં ગણિત અંગ્રેજી સંસ્કૃત ગુજરાતી સામાજિક વિજ્ઞાનના તથા વિજ્ઞાનના પેપરોની ચકાસણી કરવામાં આવશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બાયોલોજી ગણિત ફિઝિક્સ કેમેસ્ટ્રી સંસ્કૃત અને અંગ્રેજીના પેપર ચકાસવામાં આવશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટ એસ પી એન્ડ તથા અંગ્રેજી અને વાણિજ્ય વ્યવસ્થાના પેપરો ચકાસવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application