BREAKING NEWS

ધારીના રાજસ્થળીમાં ઝાડવા બાબતે ઝગડો: સરપંચને ગાળો આપી ઉપ સરપંચ ઉપર છરીથી હુમલો

  • October 17, 2025 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમરેલીના ધારી પંથકના રાજસ્થળી ગામે ઝાડવા કાપવા બાબતે સરપંચ-ઉપ સરપંચ સાથે ઝગડો થયા બાદ ઉપ સરપંચ ઉપર શખસે છરી વડે હુમલો કરી પિતા પુત્રએ જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જયારે સામાપક્ષે પણ યુવાને સરપંચ અને ઉપ સરપંચ સામે પોતાને મારી નાખવાની ધમકી આપી હોવાની વળતી ફરિયાદ નોંધાવી છે.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ ધારી તાલુકાના રાજસ્થળી ગામે રહેતા અને ઉપ સરપંચ તરીકે કાર્યરત ગોરધનભાઈ કેશુભાઈ નગવાડીયા (ઉ.વ.50)ના ગત તા.15ના સવારે સરપંચ પરસોતમભાઇ વલ્લભભાઈ નગવાડીયા સાથે ગામના પાણીના ટાંકા પાસે ઝાડવા કાપતા હતા ત્યારે ગામમાં રહેતો ઓસમાણ લલગ, નજીર લલગ બંને ત્યાં આવ્યા હતા અને સરપંચને કહેવા લાગ્યા હતા કે, આ તમારા બાપુજીનું છે ? કહી ગાળાગાળી કરવા લાગ્યા હતા તેને ગાળો ન આપવાનું કહેતા ઉપ સરપંચ ગોરધનભાઈની પાછળ મારવા દોડ્યા હતા. ગોરધનભાઈ ભાગીને ઘરમાં ઘુસી ગયા બાદ બપોરે ગામમાં આવેલી દુકાને વિમલ લેવા માટે ઊભ હતા ત્યારે નાસીર લલગ આવ્યો હતો અને છરી વડે હુમલો કરી પગ પકડીને પછાડી દઈ ઢીકાપાટુનો મારમાર્યો હતો. દેકારો થતા ગોરધનભાઈનો પુત્ર અને પત્ની સહિતના દોડી આવ્યા હતા અને વધુ મારમાંથી છોડાવ્યા હતા. દરમિયાન ગોરધનભાઈની પુત્રવધૂને પણ નાસીરે ધક્કો મારતા પડી ગઈ હતી. જતા જતા ધમકી આપી હતી કે તને કાપી નાખવો છે. આધેડને ઘરે લઇ ગયા બાદ બાદ ઓસમાણ અને તેનો દીકરો પાઇપ લઈને ઘરે આવી રાડો પાડવા લાગ્યા હતાં કે, કા બિકણીના ઘરની અંદર ઘરી ગયો બહાર નીકળ તને પતાવી દેવો છે, કહી ચાલ્યા ગયા હતા. આધેડને ઇજા થતા સારવાર માટે 108માં ધારી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ઉપસરપંચ ગોરધનભાઈની ફરિયાદ પરથી ઓસમાણ જમાલભાઇ લલગ, ઓસમાણનો દીકરો, નજીર પીરુભાઇ લલગ, નાસીર પીરુભાઇ લલગ સામે પોલીસે ગુનો નોંધ્યો છે.


જયારે સામાપક્ષે નજીર પીરુભાઈ લલગએ સરપંચ પરશોતમ વલ્લભભાઇ નગવાડીયા અને ઉપ સરપંચ ગોરધન કેશુભાઇ નગવાડીયા સામે વળતી ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે,સરપંચ-ઉપસરપંચ બંને જેસીબીથી ઝાડવા કાપતા હતા ત્યારે મારા કાકા ઓસમાણભાઈ સાથે ઝગડો કરતા હતા આથી સરપંચ અને ઉપસરપંચને નજીક ઝાડવા કાપો છો તો દૂર કાપો કહેતા બંને ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપવા લાગ્યા હતા. અમે ગામના સરપંચ અને ઉપ સરપંચ છીએ અમે જેમ કરશું તેમજ થશે તારે ગામમાં રહેવું હોય તો અમને ગમે એમ જ કરવા દેવું પડશે બાકી ગામમાંથી જતા રહો નહિતર જીવતા નહિ મૂકીએ તેમ ધમકી આપી હતી. આ બાબતે બંને ઠપકો આપવા જતા તને ખોટી ફરિયાદમાં ફિટ કરી દઈશું કહી ધમકી આપી હતી.

પોલીસે બંને પક્ષની ફરિયાદ પરથી છ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application