BREAKING NEWS

લ્યો બોલો...રાજકોટમાં SRP કોન્સ્ટેબલ જ બુટલેગર નીકળ્યો, કારમાં 384 ચપલા સાથે ઝડપાયો, જાણો કેવી રીતે દારૂના કાળા ધંધામાં ચડ્યો

  • April 15, 2026 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નગારા વાગી રહ્યા છે ત્યારે સુરક્ષા વ્યવસ્થાને જાળવવા પોલીસ એક્શન મોડમાં છે. બીજી તરફ, ચૂંટણીના માહોલમાં દારૂની રેલમછેલ કરવા બૂટલેગરો પણ સક્રિય થયા છે. જોકે, રાજકોટ પોલીસની સતર્કતાને કારણે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કાયદાના રક્ષક ગણાતા એસઆરપી (SRP) કોન્સ્ટેબલને જ દારૂના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.


PCB ટીમની કાર્યવાહી: કારની તલાશી લેતા ફૂટ્યો ભાંડો

રાજકોટ શહેર પીસીબી (PCB) ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો રાજકોટ શહેરમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે કુવાડવા રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન, શંકાસ્પદ સ્વિફ્ટ કારત્યાંથી પસાર થતા પોલીસે તેને અટકાવી હતી.

કારની તલાશી લેતા પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી. કારની ડેકીમાં પ્લાસ્ટિકના કોથળા અને પૂંઠાના બોક્સમાં છુપાવેલા ઈંગ્લીશ દારૂના 384 ચપલા મળી આવ્યા હતા. જ્યારે કારના ચાલકની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે પોતાનું નામ ભાલુભા રાજાભા બળદા (ઉં.વ. 36) જણાવ્યું હતું અને પોતે ઘંટેશ્વર ખાતે કાર્યરત એસઆરપી ગ્રુપ-13માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હોવાનું કબૂલ્યું હતું.


રાજસ્થાનથી રાજકોટ સુધીનું નેટવર્ક

પોલીસની પ્રાથમિક તપાસ અને સઘન પૂછપરછમાં આરોપી ભાલુભાએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યું કે દારૂનો આ જથ્થો રાજસ્થાનના એક શખસે તેને લીંબડી પાસેના ગામડા સુધી પહોંચાડ્યો હતો. ત્યાંથી તે દારૂ લઈને રાજકોટ આવી રહ્યો હતો. આ જથ્થો રાજકોટમાં 'ચિરાગ' નામના વ્યક્તિને પહોંચાડવાનો હતો.

પોલીસે ઘટનાસ્થળેથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે

દારૂના 384 ચપલા: કિંમત અંદાજે 1.30 લાખ

સ્વિફ્ટ કાર: કિંમત અંદાજે 1 લાખ

કુલ મુદ્દામાલ: 2.30 લાખ


વર્ષથી ગેરહાજર અને લાલચમાં બન્યો બૂટલેગર

તપાસમાં એ પણ વિગત સામે આવી છે કે, કોન્સ્ટેબલ ભાલુભા છેલ્લા એક વર્ષથી પોતાની નોકરી પરથી ગેરહાજર છે. તેણે કબૂલાત કરી હતી કે ઝડપથી પૈસા કમાઈ લેવાની લાલચમાં તે આ ગેરકાયદે પ્રવૃત્તિમાં ધકેલાયો હતો. અગાઉ પણ તેણે આવી ખેપ મારી હોવાની શક્યતા છે, પરંતુ પોલીસના સકંજામાં તે પ્રથમ વખત આવ્યો છે.

હાલ રાજકોટ પોલીસે આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરી છે અને દારૂ મંગાવનાર ચિરાગ નામના શખસની શોધખોળ તેજ કરી છે. ચૂંટણીના માહોલ વચ્ચે પોલીસ વિભાગના જ કર્મચારીની સંડોવણી બહાર આવતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ રેકેટમાં અન્ય કોઈ પોલીસ કર્મચારી કે મોટા માથાઓની સંડોવણી છે કે કેમ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application