સ્ટેટ મોનટરિંગ સેલની ટીમે પૂર્વ કચ્છમાં ભચાઉ પાસે હોટલના પાર્કિંગમાં દરોડો પાડી અહીંથી રૂપિયા 1.85 કરોડનો 17,554 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દારૂના આ જથ્થા સાથે બે રાજસ્થાની શખસોને ઝડપી લીધા હતા. દારૂનો આ જથ્થો અને વાહન સહિત કુલ રૂપિયા 2.11 કરોડનો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે ચાર શખસોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. દારૂનો આ જથ્થો રાજસ્થાની બુટલેગરે પંજાબના પટીયાલાથી ટ્રકમાં ભરાવી મુન્દ્રા મોકલવાનો હોવાનું માલુમ પડયું છે.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયની સૂચના હેઠળ એસએમસીની ટીમ રાજ્યમાં દારૂ-જુગાર સહિતની પ્રવૃત્તિઓને ડામવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે એસએમસીના પીએસઆઇ એસ.વી. ગળચર તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે, ભચાઉમાં આવેલી હોટલના પાર્કિંગમાં દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે. જેથી આ બાતમીના આધારે એસએમસીની ટીમ અહીં દરોડો પાડ્યો હતો.
અહીં ભચાઉમાં બજરંગ આઇ માતા હોટલના પાર્કિંગમાં દારૂ ભરેલો ટ્રક મળી આવ્યો હતો. ટ્રકમાંથી એસએમસીની ટીમને 1,85,94,803 ની કિંમતનો 17,554 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. દારૂના આ જથ્થા સાથે પોલીસે બે શખસોને પકડી પાડ્યા હતા જેના નામ પંકજ ડુંગારામ ભાટી અને અશોક પરગારામ મઘવાલ (રહે.ભટાલા ખાળવા તા.બાલોતરા, રાજસ્થાન) હોવાનું માલુમ પડ્યું હતું.
આ દરોડા દરમિયાન દારૂનો જથ્થો ટ્રક મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 2,11,03,433 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે દારૂ પ્રકરણમાં ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. જેમાં મુખ્ય સપ્લાયર રાજસ્થાનના ફતેપુરનો અનિલ જગદીશપ્રસાદ પંડ્યા, પટિયાલાથી ટ્રકમાં દારૂનો જથ્થો ભરનાર અનિલનો માણસ ટ્રક માલિક અને કચ્છના મુન્દ્રામાં દારૂનો જથ્થો મંગાવનાર શખસનો સમાવેશ થાય છે.